રાયગઢ કિલ્લાની ધાર પર બે યુવકો ફસાયાઃ રોપવે સામે રુમાલ ફરકાવી મદદ માગી
શિવ જયંતીએ પર્યટન માટે આવ્યા હતા, શોર્ટકટમાં સપડાયા
બેલેન્સ જાય તો જોખમી ઢોળાવ પરથી ખીણમાં ખાબકે તેમ હતા, રોપવેના યુવાનોએ નીચે પહોંચી જાણ કરતાં રેસ્ક્યૂ ટીમો દ્વારા બચાવ
મુંબઈ : શિવજયંતિ માટે રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિના દર્શન માટે આવેલા બે યુવકો કિલ્લા પર ફસાઈ જતા અંતે રેસ્ક્યુ ટીમે બન્નેને હેમખેમ બચાવી લીધા હતા. આ યુવકોએ કિલ્લા પર પહોંચવા શોર્ટક્ટ અપનાવ્યો હતો પણ કિલ્લા પર જોખમી ઢોળાવ જોઈ ડરી ગયા હતા અને હિકણી કડા તરીકે ઓળખાતા સ્થળ પર ભેખડ પકડીને મદદ માટે લોકોને ઈશારો કરતા હતા. આ દરમિયાન રોપ વે પરથી પસાર થતા અમૂક યુવકોની નજર તેમના પર પડી હતી અને તેમણે પ્રશાસનને જાણ કરતા રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. જેમણે બન્ને યુવાનોને બચાવી લીધા હતા.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર આજે છત્રપતિ શિવાજી જયંતિ હોઈ મોટી સંખ્યામાં લોકો શિવાજી મહારાજની સમાધિના દર્શન માટે રાયગઢ કિલ્લા પર આવ્યા હતા. બે યુવકો પણ કિલ્લા પર જવા પહાડના રસ્તે નીકળ્યા હતા પણ બન્નેએ તે માટે શોર્ટકટ અપનાવ્યો હતો.
આ બન્નેને અમૂક વાતનો અંદાજ ન રહેતા અહીં હિરકણી કડા તરીકે ઓળખાતા એક જોખમી સ્થળે પહોંચી ગયા હતા. આ જગ્યા એવી છે કે અહીં અત્યંત જોખમી ઢોળાવ આવે છે અને જો તમારું બેલેન્સ ગયું તો તમે સીધા સેંકડો ફૂટ નીચે ખીણમાં ખાબકો તેનો ડર હોય છે. અહીં આવ્યા બાદ આ બન્ને યુવાનોને જોખમનું ભાન થયું હતું અને ડરીને એક ભેખડ પકડીને મદદ માટે રાહ જોવા માંડયા હતા. બરાબર આ સમયે ત્યાંથી રોપવેમાં અમૂક યુવાનો પસાર થયા ત્યારે આ બન્ને યુવાનોએ રૃમાલ દેખાડી તેમને મદદ માટે બુમો પાડી હતી. આ યુવાનો તકલીફમાં હોવાનું જણાતા યુવાનોએ થોડા સમય બાદ રોપવેમાંથી નીચે ઉતરી આ બાબતની જાણ કિલ્લા પ્રશાસનને કરી હતી.
ત્યારબાદ આ લોકોએ તરત જ પાસેના મહાડથી બે રેસ્ક્યુ ટીમોને મદદ માટે બોલાવતા આ લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ લોકોએ સ્થાનિક હિરકણી વાડીના યુવાનોની મદદથી બન્ને યુવાનોને હેમખેમ બચાવી લીધા હતા. આ બન્ને યુવાનોમાંથી એક સતારાનો જ્યારે બીજો ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ બન્ને પુણેમાં નોકરી માટે આવ્યા હતા અને આજે શિવજયંતિ હોવાથી શિવાજી મહારાજના સમાધિના દર્શન કરવા રાયગઢ આવ્યા હતા.