ટાસ્ક ફ્રોડમાં ગાંધીનગરના બે યુવક ઝડપાયાઃ 60 કરોડના વ્યવહાર મળ્યા
- એન્જિનિયરિગંના વિદ્યાર્થીને શીશામાં ઉતારી પોણા ત્રણ લાખ પડાવ્યા
- માટુંગા પોલીસે બેન્ક ખાતાંઓની વિગતોના આધારે ગુજરાતના રુપેશ ઠક્કર અને પંકજ ઓડનું પગેરું મેળવી ઝડપી લીધા
મુંબઇ : મુંબઇ પોલીસે ઓનલાઇન છેતરપિંડી કરનારા બે યુવકની ગુજરાતના ગાંધીનગરથી ધરપકડ કરી છે. લોકોને ઓનલાઇન જોબ અને ટાસ્ક આપવાના બહાને તેઓ સાયબર ફ્રોડ કરતા હતા. આ યુવકોના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં ૬૦ કરોડના વ્યવહારો થયાનું જણાતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે આ ખાતાઓમાં રૂા.૧.૧ કરોડ ફ્રીઝ કરી વધુ તપાસ આદરી છે.
મુંબઇની વીરમાતા જીજાબાઇ ટેકનોલોજિકલ ઇન્સ્ટિટયૂટની હોસ્ટેલમાં રહેતા ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જાળમાં ફસાવીને આજાણ્યા આરોપીઓએ છેતરપિંડી કરી હતી. આ વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ થઇ હતી.
સાયબર ઠગ ટોળકીએ વિદ્યાર્થીનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. તેમણે પાર્ટ ટાઇમ ઓનલાઇન કામ અને વિવિધ ટાસ્ક આપી સારી રકમ આપવાના ફરિયાદીને સ્વપ્ન દાખવ્યા હતા.
બાદમાં આરોપીઓએ ઉચ્ચ વળતર માટે યુવકને જુદા જુદા બેન્ક ખાતામાં પૈસા જમા કરવાનું કહ્યું હતું. આ એક કૌભાંડ હોવાનું સમજાય તે પહેલા વિદ્યાર્થી રૂા.૨.૪૫ લાખ ગુમાવ્યા હતા.
યુવકે પૈસા જમા કરાવ્યા હતા તે બેન્ક ખાતાની માહિતી મેળવી માટુંગા પોલીસે આરોપીઓનો પતો લગાવ્યો હતો. ગુજરાતના ગાંધીનગરથી પોલીસે આરોપી રૂપેશ ઠક્કર (ઉ.વ.૩૩) અને પંકજ ઓડ (ઉ.વ.૩૪)ને ઝડપી લીધા હતા.