અંધેરીમાં દેશી પિસ્તોલ સાથે બે યુવક ઝડપાયા
- ઉત્તર પ્રદેશ, હરિયાણાના યુવકો ઝડપાયા
- મરોલમાં શસ્ત્રોની ડિલિવરી કોણ લેવાનું હતું તે અંગે તપાસ
મુંબઈ : મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંધેરીમાં બે યુવકની શસ્ત્રોના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ એને હરિયાણાના આરોપીઓ પાસેથી ચાર દેશી બનાવટની પિસ્તોલ, આઠ કારતૂસ જપ્ત કરવામાં આવી છે. એક આરોપી રીઢો ગુનેગાર છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી પ્રશાત રાઝોરીયા ઉર્ફે રાધેભાઇ (ઉ.વ.૨૪) અને હર્ષ કશ્યપ (ઉ.વ.૧૯)ને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંધેરી સ્થિત મરોલમાં બંને યુવક શસ્ત્રો વેચવા આવ્યા હતા એની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે જાળ બિછાવીને પ્રશાંત અને હર્ષને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાર દેશી બનાવટની પિસ્તોલ, આઠ કારતૂસ મળી હતી. આરોપીમાં આ શસ્ત્રો કોને વેચવાના હતા એની તપાસ ચાલી રહી છે.
આરોપી પ્રશાંત સામે અગાઉ તેના મૂળ વતન ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે શસ્ત્રો રાખવાનો કેસ નોંધાયેલો છે.