ફાર્મહાઉસમાં સ્વિમિંગના પાણીમાં ડૂબી જતા બે વર્ષીય બાળકીનું મોત
અલીબાગમાં કેર ટેકરની પુત્રી પાણીમાં ડૂબી ગઈ
માતા પિતાનું ધ્યાન ચૂકવીને બાળકી સ્વિમિંગ પૂલ પાસે રમવા ગઈ અને લપસી પડતા પાણીમાં પડી ગઈ હતી
મુંબઈ - અલીબાગમાં ફાર્મહાઉસના સ્વિમિંગ પુલ પાસે રમતી વખતે સંતુલન ગુમાવી પાણીમાં પડી જતાં બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ ઘટનામાં બે વર્ષની બાળકી અતિક્ષા દાસનું મોત નીપજ્યું હતું. તે ફાર્મહાઉસમાં કેર ટેકરની પુત્રી હતી. ઘટના મુજબ તે ફાર્મહાઉસના આંગણમાં રાબેતા મુજબ રમી રહી હતી. જેમાં બાળકી માતા પિતાનું ધ્યાન ચૂકવીને સ્વિમિંગ પૂલ તરફ જતી રહી હતી.
આ સમયે સ્વિમિંગ પૂલ પાસે છેવાળ જામી ગયો હોવાથી બાળકીનો પગ લપસી પડતા તે સીધી સ્વિમિંગ પૂલના પાણીમાં પડી ગઈ હતી. થોડા સમય બાદ બાળકી ક્યાં ન દેખાતા માતા પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આખા ફાર્મહાઉસમાં શોધખોળ કર્યા બાદ પણ બાળકીની કોઈ ભાળ મળી ન હતી. તેથી આખરે સ્વિમિંગ પૂલ પાસે જઈને તપાસ કરતા બાળકી પાણીમાં ડૂબી ગયેલી મળી આવી હતી.
આ ઘટના બાદ સ્થાનિક લોકોના મદદથી બાળકીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.