અનુપમ ખેરની એફિસમાં ચોરી કરનારા બે તસ્કર ઝડપાયા
ફિલ્મની રીલ તથા રોકડ જપ્ત કરાઈ
બંને રીઢા ગુનેગાર રિક્ષામાં જઇ શહેરમાં વિવિધ સ્થળોએ ચોરી કરતા હતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરની અંધેરીની ઓફિસમાંથી ફિલ્મની રીલ અને રોકડ રકમની ચોરી કરવાના આરોપસર બે આરોપીની ધરપકડ કરી છે. રિક્ષામાં પ્રવાસ કરી બંને રીઢા ગુનેગાર શહેરમાં જુદા જુદા સ્થળે જઇને ચોરી કરતા હતા.
જોગેશ્વરીમાંથી આરોપી માજિદ શેખ અને દલેર બહરીમ ખાનને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમની પાસેની ફિલ્મની રીલ અને ચોરી કરાયેલી અમૂક રકમ જપ્ત કરવામાં આવી છે.
૬૯ વર્ષીય અભિનેતાએ અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ચોરીની માહિતી આપી હતી. અનુપમ ખેરે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગઇકાલે રાતે મારી વીરાદેસાઇ રોડ પર આવેલી ઓફિસનો દરવાજો તોડી બે ચોર અંદર ઘૂસ્યા હતા. તેઓ એકાઉન્ટ વિભાગમાંથી આખી તીજોરી તોડી શક્યા નહોતા. અમારી કંપની દ્વારા નિર્મિત ફિલ્મની નેગેટિવ ચોરી ગયા હતા. તે એક બોક્સમાં હતી. અમારી ઓફિસે પોલીસમાં એફઆઇઆર દાખલ કરી છે.
ઓફિસની ઇમારતની બહારના સીસીટીવી ફૂટેજમાં બંને આરોપી એક રિક્ષામાં જતા જોવા મળ્યા હતા. ખેરે વધુમાં કહ્યું હતું કે ભગવાન તેમને સદ્બુદ્ધી આપે.
નોંધનિય છે કે તાજેતરમાં કર્મચારીઓ રાતે કામ પતાવીને ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે કર્મચારી ઓફિસમાં આવ્યા હતા ત્યારે ચોરીની જાણ થઇ હતી. આરોપીઓ ફિલ્મની નેગેટિવ અને રૂા.૪.૧૫ લાખ લઇને પલાયન થઇ ગયા હતા.
કર્મચારીઓએ ચોરીની અનુપમ ખેરને જાણ કરી હતી. ઓફિસની સીસીટીવી ફૂટેજ જોતા જણાવ્યું કે મોડી રાતે બે યુવક ઓફિસમાં ઘૂસ્યા હતા. આ મામલે અંબોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અનુપમ ખેરની ઓફિસમાં ચોરી કરનારા આરોપીઓએ તે દિવસે વિલેપાર્લેમાં પણ ચોરી કરી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું.