સલમાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટરની કચ્છના માતાના મઢથી ધરપકડ
મૂળ બિહારના વિકી ગુપ્તા અને સાગર પાલ કચ્છના છેવાડાના સ્થળે પહોંચ્યા હતા
બાંદરાથી બોરીવલી જઇ ટેક્સી કરી ગુજરાત બોર્ડર પહોંચ્યા, સુરતથી ભુજની બસ પકડી, માર્ગમાં નદીમાં રિવોલ્વર પધરાવી દીધી હોવાનો દાવો, ઓળખ છૂપાવવા વાળ-દાઢી કપાવ્યા
પોલીસ મુંબઇમાં શોધતી રહેશે, કચ્છનો કોઇને આઇડિયા નહીં આવે તેમ માની માતાનું મઢ લોકેશન પસંદ કર્યું : બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈ પોલીસ અને કચ્છ પોલીસનું સંયુક્ત ઓપરેશન
મુંબઇ : મુંબઈના બાન્દ્રા ખાતેનાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે રવિવારે પરોઢે ફાયરિંગ કરીને ફરાર થયેલા બે શૂટરને કચ્છના યાત્રાધામ માતાના મઢ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમ અને કચ્છ પશ્ચિમ પોલીસે ગઇકાલે અડધી રાતે જોઇન્ટ ઓપરેશન હાથ ધરી 'દબંગ' અભિનેતા સલમાન ખાનના ઘરે ગોળીબાદ કરનારા બે શૂટરને કચ્છમાં માતાના મઢથી ઝડપી લીધા હતા. મુંબઇ પોલીસે ૩૬ કલાકમાં જ બંને શૂટર્સનું પગેરું મેળવી ધરપકડ કરી લીધી છે. તેમની ઓળખ બિહારના ૨૪ વર્ષીય વિકી ગુપ્તા તથા ૨૧ વર્ષીય સાગર પાલ તરીકે થઈ છે. પોલીસને ગેરમાર્ગે દોરવા અને ધરપકડથી બચવા બંને આરોપીએ ઘણા પ્રયાસ કર્યા હતા. તેમણે બાંદરાથી બોરીવલી જઇ ટેક્સી કરી ગુજરાત બોર્ડર પહોંચ્યા, સુરતથી ભુજની બસ પકડી હતી. આસિવાય માથા પરથી વાળ કાઢી નાખ્યા દાઢી કરી દીધી હતી. પોલીસ મુંબઇમાં શોધખોળ કરતી રહેશે અને કચ્છમાં ગયો હોવાની કોઇને જાણ થશે નહિં એવું માનીને માતાના મઢનું લોકેશન પસંદ કર્યું હોવાનું કહેવાય છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર દયા નાયકે 'ગુજરાત સમાચાર'ને ગોળીબાર બાદ આ બંને આરીપોના રુટ તથા કચ્છમાંથી તેમનું પગેરું મેળવી ધરપકડ સહિતની વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંદરા (પશ્ચિમ) સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન ખાનના નિવાસસ્થાને ૧૪ એપ્રિલના વહેલી સવારે ફાયરિંગના મામલામાં અભિનેતાના બોડીગાર્ડની ફરિયાદના આધારે બાંદરા પોલીસે કેસ દાખલ કર્યો હતો. તે પછી તરત જ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે આ ઘટના વખતે વિકી બાઇક ચલાવી રહ્યો હતો. જ્યારે સાગરે પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. ગોળીબાર બાદ બંને નજીકમાં જ આવેલાં માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઇક છોડી દીધી હતી. ત્યાંથી રિક્ષા પકડીને તેઓ બાંદરા રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી તેમણે બોરિવલી જતી લોકલ ટ્રેન પકડી હતી પરંતુ ટ્રેનમાં નજીકનાં જ સાંતાક્રુઝ સ્ટેશને ઉતર્યા હતા. પછી ચાલીને વાકોલા સુધી ચાલતા ગયા હતા અને રિક્ષામાં બોરીવલી પહોંચ્યા હતા. બોરીવલીથી સુરત જવા માટે એક ટેક્સીમાં બેસી ગયા હતા. જોકે, ટેક્સી ડ્રાઇવરે તેની પાસે આંતરરાજ્ય પરમીટ ન હોવાથી ગુજરાત બોર્ડ પહેલાં જ ચારોટી પાસે બંનેને નીચે ઉતારી દીધા હતા. ત્યાંથી ગુપ્તા અને પાલ ટ્રકમાં સુરત આવ્યા હતા. તેઓ સુરત સ્ટેશન પર ગયા હતા પણ ટ્રેન મળી નહોતી. આથી બસ પકડીને આરોપીઓ ભુજ પહોંચી ગયા હતા. માતાના મઢી મદિંર વિસ્તારમાં રોકાયા હતા.
ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ બંનેએ પ્રવાસ દરમિયાન ગુજરાતના નદીમાં ફેંકી દીધી હોવાનું કહેવાય છે. સુરતની નદીમાં પિસ્તોલ ફેંકી હોવાની શંકા છે. પોલીસની ઓળખ છુપાવવા બંનેએ કચ્છ પહોંચીને માથાના વાળ કપાવ્યા, દાઢી કરાવી લીધી હોવાનું કહેવાય છે.
આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. પોલીસ તેમને પકડવા બિહાર જઇ શકે છે એવું માનીને તેઓ પોતાના ઘરે ગયા નહોતા. તેને બદલે કચ્છના અંતરિયાળ વિસ્તારમાં શોધવાનો પોલીસને આઇડિયા જ નહીં આવે તેવું લાગતાં થોડા દિવસ પોલીસથી બચવા માતાના મઢ પહોંચી ગયા હતા.
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. માતાના મઢે ભક્તોની ભીડ હોય છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ વિરોધ અને ગોળીબાર કરે એવી શક્યતા હતી. આમ બંનેને ઝડપી લેવા પોલીસે જરૃરી સાવચેતી રાખી હતી.કદાચ તેઓ પ્રતિકાર કરે અને ફાયરિંગ કરી બેસે તો તે વખતે ભારે ધમાલ મચી જાય તેમ હતી.
આ ઓપરેશનની જાણકારી આપતા કચ્છના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એઆર ઝકાંતે જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગના કેસની તપાસ કરતી મુંબઇ પોલીસે આરોપીઓની કચ્છ પોલીસને માહિતી આપી હતી. કચ્છ એલસીબીને મુંબઈ પોલીસની મદદ કરવા જણાવાયું હતું. તે પછી વિશેષ ઓપરેશન હાથ ધરી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કચ્છના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર ઓફ જનરલ મહેન્દ્ર બગડિયાએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ બંને શૂટર્સને સલમાનના ઘરે ગોળીબાર કરવા માટે સોપારી અપાઈ હતી.
શૂટર ગુપ્તા અને પાલને પકડીને કચ્છના દયા પર પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ લઇ જઇ વિમાનમાં મુંબઇ લાવવામાં આવ્યા હતા.
મુંબઇ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત હતો. એરપોર્ટ પરના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે બંનેને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમના પચ્ચીસમી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ વખતે રાજસ્થાનમાં કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. તેનો બદલો લેવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વખતોવખથ સલમાન ખાનને હત્યાની ધમકી આપી ચૂક્યો છે. અગાઉ પણ તેણે સલમાનના ઘર પાસે ગન સાથે શૂટરને મોકલ્યો હતો પરંતુ તે દૂરથી નિશાન લઈ શક્યો ન હતો. સલમાનના પનવેલના ફાર્મમાં ઘૂસણખોરીનો પ્રયાસ તથા સલમાનના પિતા સલીમ ખાનને હત્યાની ધમકીનો પત્ર પહોંચાડવા સહિતના પ્રયાસો અગાઉ થયા છે. આ ગોળીબારની ઘટનાની જવાબદારી પણ લોરન્સના ભાઈ અનમોલે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્વીકારી છે. અનમોલ પોતે કેનેડામાં હોવાનું કહેવાય છે પરંતુ તેની આ પોસ્ટનું આઈપી એડ્રેસ પોર્ટુગલમાં ટ્રેસ થયું છે. આ તો ટ્રેલર છે અને હવે પછીની ગોળી માત્ર ઘર પર નહીં છોડાય તેવી ધમકી અનમોલે આપી છે.
હવે પોલીસ બંને શૂટરની તપાસ તથા તેમના મોબાઈલ રેકોર્ડ સહિતની વિગતોના આધારે ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.