નવી મુંબઈમાં 5.62 કરોડના ડ્રગ્સ સાથે બે નાઈજિરિયન ઝડપાયા
એન્ટી નાર્કોટિક્સ સેલની બાતમીના આધારે કાર્યવાહી
૨.૪૨ કિલો મેફેડ્રોન અને ૧૭૪ ગ્રામ કોકેન મળ્યું ઃ નોંધણી વિના ભાડે આપનાર ઘરમાલિક પણ ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ, બાતમીના આધારે કાર્યવાહી કરતા એન્ટી નાર્કોટિક્સ સેલે શનિવારે તલોજામાં રહેણાંક પરિસરમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે કોકન અને મેફેડ્રોન સાથે બે નાઈજિરિયન શખ્સો ૨૫ વર્ષીય ઓનયેકા હિલેરી ઈલોડિન્સો અને ૪૦ વર્ષીય ચિડીબેરે ક્રિસ્ટોફર મુઓગાલુની ધરપકડ કરી હતી. એન્ટી નાર્કોટિકસ સેલને ઓનયેકા પાસેથી ૨.૪૨ કિલો મેફેડ્રોન અને ૧૭૪ ગ્રામ કોકેન મળી આવ્યો હતો. જેની બજારમાં અંદાજિત કિંમત રુ. પ.૬૨ કરોડ હોવાનું જણાય છે. તો ચિડીબેરેના વિઝા અને પાસપોર્ટની તપાસ કરતા તેના વિઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે ગેરકાયદે અહીં રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત પોલીસે આ મામલામાં રવિવારે આ બંને નાઈજિરિયન શખ્સોને ભાડા પર રુમ આપનાર મકાન માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેણે બંને વિદેશી નાગરિકોને કોઈ પણ રજીસ્ટ્રેશન વિના ભાડેથી રુમ આપી હતી.
પોલીસે આ મામલે ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ફોરેન નેશનલ્સ એક્ટ અને રજિસ્ટ્રેશન ઓફ ફોરેન નેશનલ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.