Get The App

પોર્શે કેસમાં બરતરફ જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડના બે સભ્યો હાઈકોર્ટમાં

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
પોર્શે કેસમાં બરતરફ  જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડના બે સભ્યો હાઈકોર્ટમાં 1 - image


બરતરફીની કાર્યવાહી ગેરકાયદેસર હોવાનો દાવો

અકસ્માત સર્જી બે લોકોનાં મોત નીપજાવનારા સગીરને નિબંધ લખવાની સજા આપી જામીન પર છોડી મૂક્યો હતો

મુંબઈ -  પુણે પોર્શે કાર અકસ્માત કેસમાં સંકળાયેલા સગીર આરોપીને જામીન આપી દેવા બાબતે પોતાને સેવામાંથી બરતરફ કરવાની કાર્યવાહીને પડકારીને જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડના બે સભ્યોએ કરેલી અરજી પર બોમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ મોકલાવી છે.

ગત ઓક્ટોબરમાં સરકારે જેજેબીના બે સભ્ય એલ. એન. દનાવડે અને કવિતા થોરાટની સેવાઓને રદબાતલ કરી હતી. જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ સત્તાનો દુરુપયોગ અને પ્રક્રિયાત્મક ક્ષતિ ટાંકવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ ખાતા દ્વારા કરાયેલી તપાસ બાદ પગલાં લેવાયા હતા. તપાસમાં સગીરને જામીન આપતી વખતે બંનેને ગેરવર્તણૂક અને નિયમો નહીં પાલવા બદલ કસૂરવાર ઠેરવાયા હતા.સેવામાંથી બરતરફ કરાયા બાદ બંનેએ હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની બરતરફી ગેરકાયદે હોવાની દલીલ કરી હતી. ૨૩ એપ્રિલે ન્યા. ચાંદુરકર અને ન્યા સાઠેએ મહિલા બાળ વિકાસ ખાતાને નોટિસ મોકલાવી હતી અને સુનાવણી ૧૮ જૂન પર રાખી છે. થોરાટે દાવો કર્યો હતો કે સરકારે આપેલી કારણદર્શક નોટિસનો પોતે જવાબ આપ્યો હતો. તપાસ કરવામાં આવ્યા બાદ પોતાની હકાલપટ્ટી કરાઈ  હોવાનું જણાવ્યું હતું. તપાસ અહેવાલની નકલ અરજદારને અપાઈ નહોવાનો દાવો કર્યો હતો. આથી આ પગલું ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. ૧૯ મે, ૨૦૨૪ના રોજ પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં પોર્શે કાર ચલાવતા ૧૭ વર્ષના સગીરે દારુના નશામાં બે આઈટી પ્રોફેશનલ્સને ઉડાવતાં તેમના મોત થયા હતા.

દનાવડેએ સગીરને હળવી શરતો સાથે જામીન આપ્યા હતા. જામીનની શરતોમાં ૩૦૦ શબ્દમાં રોડ સેફ્ટી પર નિબંધ લખવા જણાવાયું હતું. જામીનના આદેશથી જનઆક્રોશ ફેલાયો હતો. પુણે પોલીસે બોર્ડને આદેશની સમીક્ષા માટે અરજી કરી હતી. બોર્ડે બાદમાં સગીરને સુધાર ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે જૂનમાં તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

આ કેસમાં સગીરના માતાપિતા સસૂન હોસ્પિટલના બે ડોક્ટરો બે મધ્યસ્થીકારો  અને અન્ય ત્રણને લોહીના નમૂના બદલવા બદલ પકડવામાં આવ્યા હતા.

Tags :