અંબરનાથમાં બે બાઇક, રિક્ષાને ટક્કર મારી ટેમ્પાએ પલ્ટી ખાધીઃ એકનું મોત
- પુરપાટ વેગે આવતા ટેમ્પા ચાલકે કાબુ ગુમાવ્યો
- પલ્ટી ખાઈ ગયેલા ટેમ્પો હેઠળ દબાયેલા બાઈક ચાલકનું મોત
મુંબઇ : અંબરનાથમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સ્પીડમાં આવતા ટેમ્પોએ રિક્ષા અને બે બાઇકને અડફેટમાં લીધા હતા. ત્યારબાદ ટેમ્પો બાઇક ચાલક પર પલટી ખાઇ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. અંબરનાથ પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
અંબરનાથમાં શિવમંદિર રોડ પર આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાઇક સવારનું નામ પ્રમોદ યાદવ છે. તે આબેતા મુજબ બાઇક પર કામમાં જવા ઘરેથી નીકળ્યા હતો.
શિવ મંદિર રોડ પર પાછળથી પૂરપાટ આવતા ટેમ્પો ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ટેમ્પોની બે બાઇક અને રિક્ષા સાથે અથડામણ થઇ હતી પછી ટેમ્પો યાદવની બાઇક પર પલટી ખાઇ ગયો હતો. આથી જમીન પર પટકાયેલો પ્રમોદ ટેમ્પો નીચે કચડાઇ ગયો હતો. તેનું ગંભીર ઇજા થતા જગ્યા પર મોત થયું હતું.
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ બનાવની માહિતી મળતા જ અંબરનાથની શિવાજીનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પોલીસે ટેમ્પો ચાલક ફહીમ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.