ઘાટકોપરમાં વિશાળ હોર્ડિંગ દુર્ઘટનામાં જાહેરાત કંપનીના ભૂતપૂર્વ સંચાલક સહિત બેની ધરપકડ
ગોવાની હોટેલમાં બંને રોકાયા હતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: ઘાટકોપરમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતા ૧૭ જણના મોત નિપજવાના મામલામાં વિશેષ તપાસ ટીમે ઈગો મીડિયા કંપનીના ભૂતપૂર્વ સંચાલક જાન્હવી મરાઠે અને તેના સહયોગી સાગર પાટીલની ગોવાથી ધરપકડ કરી છે.
જાહેરાતના હોર્ડિંગની દેખરેખનું કામ પાટીલ કરતો હતો. બંને ગોવાની હોટેલમાં રોકાયા હતા. હોર્ડિંગ તૂટી પડયા બાદ જાન્હવી મરાઠે ગાયબ હતી. તેની આગોતરા જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
અધિકારીએ માહિતી આપી હતી કે 'ગોવાથી બંનેને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા. તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. નવેમ્બર ૨૦૨૩ સુધી જાન્હવી મરાઠે કંપનીનો સંચાલક હતી. બાદમાં આ કેસમાં પકડાયેલો આરોપી ભાવેશ ભીંડે ડાયરેક્ટર બન્યો હતો.
અગાઉ ભીંડે બ્લેકલિસ્ટ કરાતા તેણે જાન્હવીના નામે કંપની રજીસ્ટર કરાવી હતી. પરંતુ બંને વચ્ચેના વિવાદને લીધે ભીંડે ડિસેમ્બર ૨૦૨૩માં ફરીથી કંપનીનો ડાયરેક્ટર બની ગયો હતો.
દુર્ઘટનાગ્રસ્ત હોર્ડિંગ લગાડવા માટે રેલવે પોલીસ દ્વારા ઈગો મીડિયા કંપનીને પરવાનગી મળી હતી. તે સમયે મરાઠે કંપનીની સંચાલક હતી. જ્યારે બાંધકામની દેખરેખ રાખવાની જવાબદારી પાટીલની હતી.
વીજેટીઆઈના રિપોર્ટ મુજબ હોર્ડિંગનો પાયો મજબૂત ન હોવાનું માલૂમ પડયું હતું. આ મામલે પંતનગર પોલીસમાં કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭, ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કેસની તપાસ કરી રહી છે.