ઘાટકોપરમાં પોલીસની ગાડીમાંથી નાસી ગયેલા બે આરોપીની સુરતથી ધરપકડ
જેલમાંથી બંનેને મુલુંડ લઈ જવામાં આવી રહ્યા હતા
મુંબઈ: ઘાટકોપરમાં સિગ્નલ પર પોલીસની ગાડીમાંથી પલાયન થઈ ગયેલા બે રીઢા ગુનેગારની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.
ગોવંડીમાં રહેતા મોઈન કુરેશી (ઉં.વ.૨૩), શાહિદ અલી શહા (ઉં.વ.૧૯) સામે નવઘર પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ દાખલ હતો. તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.
બંનેને જામીન પર બહાર આવવાના હતા. નવઘર પોલીસે બંનેને તાબામાં લીધા હતા. પોલીસની ગાડીમાં તેમને મુલુંડ લઈ જવામાં આવી રહ્યા હતા.
ઘાટકોપરના છેડાનગર સિગ્નલ પાસે પોલીસની ગાડી પહોંચી ત્યારે બંને આરોપી નાસી ગયા હતા. આ મામલે તેમની સામે તિલકનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળની આસપાસની સીસીટીવી ફૂટેજ અને માહિતીના આધારે આરોપીઓની શોધખોળ કરી હતી.
દરમિયાન બંનેએ લોકમાન્ય ટિળક ટર્મિનસની ટ્રેન પકડી હોવાનું માલૂમ પડયું હતું. પછી નવઘર પોલીસની ટીમે સુરત પોલીસને મામલાની જાણ કરી હતી. છેવટે સુરત રેલવે સ્ટેશન પાસે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.