ટીવી એકટર ઋતુરાજ સિંહનું અચાનક કાર્ડિયાક એરેસ્ટથી નિધન
હોસ્પિટલથી ઘરે પહોંચ્યા પછી નિધન
શાહરુખના સ્ટ્રગલના દિવસોનો મિત્ર, અનેક સુપરહિટ ટીવી શ્રેણીઓમાં કામ કર્યું હતું
મુંબઇ - પીઢ ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું ૫૯ વરસની વયે કાર્ડિએક એરેસ્ટના કારણે નિધન થયું છે. ૧૯મી ફેબુ્રઆરીના રાતના સાડા બાર વાગ્યે તમણે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને રાતના ૧૨.૩૦ વાગ્યે ે અંતિમ શ્વાસ લીધા હતા.તેમણે 'અનુપમા' 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સહિતની અનેક સુપરહિટ ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે અને શાહરુખે એક સમયે સાથે સ્ટ્રગલ કરી હતી.
ઋતુરાજને કેટલાક સમયથી પેનક્રિયાસની બીમારી હતી. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા બાદ અચાનક તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને ઘરે જ તેમનું નિધન થયું હતું.
ઋતુરાજ અને શાહરુખ ખાને સ્ટ્રગલના દિવસો સાથે પસાર કર્યા હતા. એક થિયેટર ગૂ્રપમાં બંનેએ દેશભરમાં કેટલાક શો કર્યા હતા.
ભારતમાં સેટેલાઈટ ટીવી ચેનલોનો યુગ શરુ થયો તે અરસામાં 'બનેગી અપની બાત' શ્રેણીમાં તેમને મોટો બ્રેક મળ્યો હતો. હોસ્ટ તરીકેનો તેમનો શો 'તોલ મોલ કે બોલ' પણ એ જમાનામાં સુપરહિટ થયો હતો. તે પછી 'હિટલર દીદી, શપથ, વોરિયર, આહત , દીયા ઔર બાતી' સહિતની ટીવીની અનેક હિટ સિરિયલોમાં તેમણે જુદી જુદી ભૂમિકા ભજવી હતી. હાલ તેમની 'અનુપમા' સીરીયલ ચાલી રહી હતી.
ફિલ્મ અને ટીવી જગતના સંખ્યાબંધ કલાકારોએ સ્વ. ઋતુરાજનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.