Get The App

બાઈક પર જતા ટીવી એક્ટર અમન જયસ્વાલનું ટ્રકની ટક્કરે મોત

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
બાઈક પર જતા ટીવી એક્ટર અમન જયસ્વાલનું ટ્રકની ટક્કરે મોત 1 - image


મુંબઈના જોગેશ્વરીમાં હિલ પાર્ક રોડ પાસે દુર્ઘટના

ધરતીપુત્ર નંદિની  સહિતની ટીવી શ્રેણીઓનો અભિનેતા અમન ઓડિશન માટે જતો હતો, : ટીવી જગતમાં શોકની લહેર

મુંબઈ  -  ધરતીપુત્ર નંદીની શોમાં મુખ્ય ભૂમિકા માટે જાણીતા ટેલિવિઝન અભિનેતા ૨૩ વર્ષીય અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. જોગેશ્વરી પશ્વિમમાં શુક્રવારે બપોરે ટ્રકે ટુ વ્હીલરને અડફેટેમાં લેતા ભીષણ અકસ્માત  સર્જાયો હતો તેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. 

 આ અકસ્મામત શુક્રવારે બપોરે હિલ પાર્ક રોડ પર બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, હિલ પાર્ક રોડ પર બપોરે ૩.૧૫ વાગ્યાની આસપાસ ટ્રક  ચાલકે  ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

ઘટના સમયે અમન એક ઓડિશન માટે ટુ વ્હીલર પર સવાર થઈને જોગેશ્વરીથી જઈ રહ્યો હતો. તે સમયે પુરપાટ ટ્રકે ટુ વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માત  બાદ તેને તાત્કાલિક ટ્રોમા કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અડધા કલાક બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.  પોલીસે  ટ્રક ચાલક સામે  ભારતીય ન્યાય સંહિતા અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

 અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. તેણે  ટીવી શો કરતા પહેલા મોડેલ તરીકે કારકિર્દી શરુ કરી હતી. આ બાદ તેણે  રાણી અહલ્યાબાઈ હોલકરના જીવન પર આધારિત ટીવી શો પુણ્યાશ્લોક અહલ્યાબાઈમાં યશંવત રાવ ફણસેની ભૂમિકા ભજવી હતી. 

અભિનેતા અમન જયસ્વાલ ટીવી શો ધરતીપુત્ર નંદિનીની ભૂમિકા માટે જાણીતો હતો. તેથી તેના અકાળ અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ચોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ટેલિવિઝન અભિનેત્રી સુધા ચંદ્રન અને દીપીકા ચિખલિયા સહિત ઘણા કલાકારોએ આ યુવા અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતી પોસ્ટ્સ સોશિયલ મિડીયા પર શેર કરી હતી.  

સોશિયલ મિડીયા પર સક્રિય અભિનેત્રી દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર અમનની એક તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, અમન જયસ્વાલ મારી સિરિયલ ધરતીપુત્ર નંદિનીના હિરોનો અકસ્માત થયો હતો અને તે હવે આપણી વચ્ચે નથી રહ્યો.  આ સમાચાર ચોંકવનારા અને  વિશ્વાસના બહારના છે. ભગવાન તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

 અમન જયસ્વાલની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ધરતીપુત્ર નંદિની સિરિયલ વિશે જ હતી. તેમાં અભિનેતાએ તેની સફર શેર કરી હતી. અમનના અકાળ અવસાનના સમાચારથી ઘણા ચાહકો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. ચાહકોએ  શોક વ્યક્ત  કરતાં કહ્યું હતું કે ટીવી અભિનેતાએ અમારો સાથ ખૂબ જ જલ્દી છોડી દીધો હતો.



Google NewsGoogle News