કોલ્હાપુરમાં ડમ્પરે અડફેટમાં લેતા 'તુઝ્યાત જીવ રંગલા' ફેમ અભિનેત્રીનું મોત નિપજ્યું
- શિર્ડી સાઈ દર્શન માટે જઈ રહેલા બે ભક્તે અકસ્માતમાં જીવ ગુમાવ્યો
મુંબઇ
'તુઝ્યાત જીવ રંગલા' ફેમ અભિનેત્રી કલ્યાણી કુરળે-જાધવ કોલ્હાપુરમાં ડમ્પર ચાલકે અડફેટમાં લેતા મોતના મુખમાં ધકેલાય ગઈ હતી. જ્યારે નાશિકમાં સાઇકલ પર જઈ રહેલા બે સાઈ ભક્તને કારે ટક્કર મારતા મોતને ભેટયા હતા. આ મામલે પોલીસ કેસ દાખલ કર્યો છે.
થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કલ્યાણીએ કોલ્હાપુરમાં 'પ્રેમાચી ભાકરી' નામની હોટેલ શરૂ કરી હતી. તે ગઈ કાલે રાતે હોટેલ બંધ કરીને બહાર નીકળી હતી ત્યારે કોલ્હાપુર-સાંગલી હાઇવે પર હાલોંડી નજીક ડમ્પરના ડ્રાઇવરે બેદરકારપૂર્વક વાહન ચલાવીને અડફેટમાં લેતા કલ્યાણી કાળનો કોળિયો બની ગઈ હતી.
જ્યારેનાશિકના સિન્નરમાં રહેતા પાંચ સાઇ ભક્ત સાઇકલ પર શિર્ડી જઈ રહ્યા હતા. તે સમયે પાયરે ગામમાં વહેલી સવારે કારચાલકે અડફેટમાં લેતા આદિત્ય મિઠે (ઉં. વ. ૨૩) કૃષ્ણા ગોળેસર (ઉં. વ. ૮૭)નું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં આનંદ ગોળેસર (ઉં. વ. ૧૬), ઓમ ગોળેસર (ઉં. વ. ૧૬) અમર મિઠે (ઉં. વ. ૧૯) જખમી થયા હતા.