અરિહાને પર્યુષણ ઉજવવા દેવાની મંજૂરી મળતાં મુંબઈથી ટયુટર જર્મની પહોંચી
જર્મન ફોસ્ટર હોમમાં અરિહાએ ભારતીય ત્રિરંગો સાથે જ રાખ્યો
અરિહાને જૈન પ્રાર્થનાઓ શીખવાડાઈ, ગિરનારજીઅને પાલિતાણા તીર્થ વિશે સમજ અપાઈઃ ભગવાન મહાવીર તથા પાર્શ્વનાથનો સચિત્ર પરિચય કરાવાયો
જર્મીનાં પરાણે રખાયેલી અરિહાના ભારતીય-જૈન સંસ્કારો અખંડઃ હવે સ્વદેશ પરત લાવવા બમણા જોરથી પ્રયાસો
મુંબઈ : મુંબઈ નજીક ભાયંદરમાં રહેતાં જૈન દંપતીની સાડા ત્રણ વર્ષની દીકરી અરિહા શાહ જર્મનીના ફોસ્ટર કેરમાં ૩ વર્ષથી ફસાયેલી હોવાથી તેને ભારત પરત લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે. ત્યારે જૈન સમુદાયના પ્રયત્નોથી પહેલી જ વખત અરિહાને જૈન સમાજનો પવિત્ર પર્યુષણ પર્વ ઉજવવા માટે પરવાનગી મળી હતી. એ માટે મુંબઈથી ૨૨ વર્ષની ઘ્વી વૈદ સ્પેશિયલ પરવાનગી મેળવી જૈન ધર્મની પાઠ-પૂજા કરાવવા જર્મની પહોચી હતી. અરિહાને ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મની પાયાની બાબતો વિશે સમજ અપાઈ છે. તે ભારતીય રહેણીકરણી, જીવનશૈલી અને ખાનપાન વિશે પણ શીખી રહી છે. આમ જર્મનીમાં પરાણે રખાયેલી અરિહાના ભારતીય સંસ્કારો યથાવત હોવાનું જાણી પોરસાયેલા જૈન સમુદાયે હવે તેને સ્વદેશ લાવવા માટે બમણા જોરથી પ્રયાસો શરુ કર્યા છે.
અરિહાને ભારત પરત લાવવાના અભિયાનમાં દેશ-વિદેશના હજારો લોકોએ પ્રતિસાદ આપ્યો છે, જેમાં પર્યુષણ પર્વ દરમિયાન અત્યાર સુધીમાં ૨૫ લાખ થી વધારે જાપ અને ૧૫૦૦૦ થી વધારે ઉપવાસ આરાધકોએ અરિહાને સમપત ર્ક્યાં છે. હવે જૈન સમુદાય અરિહાને ભારત પરત લાવવાના તેમના પ્રયાસો વધુ ઝડપી બનાવાના પ્રયત્નો કરી રહયા છે.
જૈન સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી..
સમગ્ર જૈન સમુદાય અને મહારાજ સાહેબ છેલ્લા એક વર્ષથી નવી દિલ્હીમાં જર્મન એમ્બેસી અને બલનમાં જર્મન વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. અરિહાને ભારત પરત કેવી રીતે લાવવી તે અંગે ચર્ચા કરી રહ્યા છે અને જર્મનીમાં રહીને તેને તેના ધર્મ અને ગુજરાતી ભાષા શીખવાની તક મળે તેની પણ ખાતરી કરી રહ્યા છે. અંતે એક વર્ષના અવિરત પ્રયાસો બાદ જર્મન વિદેશ મંત્રાલય જર્મન બાળ સેવાને સમજાવવામાં સફળ રહયું હોવાથી અરિહાને પર્યુષણના પવિત્ર જૈન તહેવારની ઉજવણી કરવાની મંજૂરી મળી હતી.
જૈન સંસ્કારની તાલીમ
જર્મન બાળ સેવાએ માત્ર બે દિવસની એક કલાકની મુલાકાતની મંજૂરી આપી હતી. અરિહાને જૈન ધર્મની પાયાની પ્રાર્થનાઓ શીખવવામાં આવી હતી. જેમાં નવકાર મંત્ર, માંગલિક અને મંત્રોચ્ચાર સાંભળવાની તક મળી હતી. ગિરનારજી તીર્થ અને પાલિતાણા તીર્થની વાર્તાઓ અરિહાને સમજાવવામાં આવી હતી અને ભગવાન મહાવીર અને ભગવાન પાર્શ્વનાથના ચિત્રો દ્વારા તેને ભગવાનનો પરિચય કરાવવામાં આવ્યો હતો. અરિહાને કરુણા અને નાના જીવોના રક્ષણના મહત્ત્વ વિશે પણ શીખવવામાં આવ્યું હતું. ભારત પ્રત્યે દેશભક્તિની ભાવના જગાડવા અને તેને તેની ભારતીય ઓળખને સમજવામાં અરિહાને ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપવા વિશે પણ જણાવામાં આવ્યું હતું. અરિહાને ખૂબ જ ઉત્સાહ દાખવ્યો અને રાષ્ટ્ર ધ્વજ પોતાની સાથે જ રાખ્યો હતો. ઉલ્લેખનીયી છે કે આ બે દિવસ દરમિયાન અરિહાને ગુજરાતી, જૈન ભોજન પણ આપવામાં આવ્યું હતું. જ્યારે અરિહાને પૂછવામાં આવ્યું કે તેને શું તેને ખાવાનું પસંદ છે ત્યારે અરિહાએ કહયું હતું કે તેને રોટલી, ફાફડા, ખાંડવી અને ખાખરા ખૂબ ગમે છે. એટલે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જર્મનીમાં રહેતી હોવા છતાં ભારતીય સંસ્કૃતિ તેના લોહીમાં વહી રહી છે.
જૈન સમુદાયના અભિયાનને બહોળો પ્રતિસાદ..
આ પર્યુષણ પર્વ દરમિયાન અરિહા માટે જૈન સમુદાયે એક નવું અભિયાન શરૃ કર્યું હતું. જ્યાં લોકો અરિહાને ભારત પરત લાવવા આધ્યાત્મિક શક્તિના મંત્ર દ્વારા અરિહા માટે પ્રાર્થના અને ઉપવાસ સમપત કરી રહ્યા છે. આ અભિયાનમાં ભારત અને વિદેશના હજારો લોકોએ ભાગ લીધો છે. જ્યાં નવકાર મંત્રની ૨૫ લાખથી વધુ પ્રાર્થનાઓ અને ૧૫,૦૦૦ થી વધુ ઉપવાસો આ અભિયાન દ્વારા અરિહને સમપત કરાયા છે અને હજુ પણ ઘણા લોકો યોગદાન આપી રહ્યા છે. જૈન સમુદાય તેમની નાની વયની છોકરીને ભારત પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છે. અરિહાને ભારત પરત લાવવાના અભિયાનમાં અગ્રેસર રહેનાર યતીન શાહે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, અરિહાને જૈન ધમર્ વિશે જાણવા મળ્યું હોવાથી જૈન સમાજને ઘણું સારું લાગ્યું છે. પરંતુ, ભારત સરકાર હજુ વધુ પ્રયાસ કરશે તો ભારતની દીકરીને પરત લાવવાના માગર્ ખુલ્લો થઈ શકે છે.