અક્ષય કુમારની કંપનીનું નામ વટાવી યુવતીપાસેથી 6 લાખ પડાવવા પ્રયાસ
અક્ષય કુમારની સહી છે તેવા દાવા સાથેની સ્ક્રિપ્ટ દેખાડી
ફિલ્મમાં રોલ માટે પોર્ટફોલિયો બનાવવા પૈસા માગ્યાઃ સતર્ક યુવતીએ અક્ષય કુમારની કંપનીમાં પૂછતાં આવો કોઈ કર્મચારી ન હોવાની જાણ થઈ
મુંબઇ : ખારમાં રહેતી અને ફિલ્મોમાં કામ કરવા માંગતી એક યુવતી સાથે અભિનેતા અક્ષયકુમારની પ્રોડક્શન કંપનીના નામનો ઉપયોગ કરી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એક ફ્રોડસ્ટરે આ યુવતીને ફિલ્મોમાં કામ કરવા પહેલાં તેનો પોર્ટફોલિયો બનાવવાનો પડશે તેવું જણાવ્યું હતું અને તે માટે છ લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. જો કે યુવતીએ સતર્કતા દાખવી અક્ષયકુમારની પ્રોડક્શન કંપનીનો સંપર્ક કરતા આવી કોઇ વ્યક્તિ તેમની સાથે કામ કરતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતી અને તેના પરિવાજનોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે છટકું ગોઠવ્યું ફ્રોડસ્ટર યુવકને પકડી પાડયો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદી યુવતી પૂજા આનંદાની ખારમાં રહે છે. ત્રીજી એપ્રિલના રોજ પૂજાને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ પોતે અક્ષયકુમારની પ્રોડક્શન કંપની કેપ ઓફ ગુડ હોપ ફિલ્મ્સમાંથી બોલતો હોવાનું કહી તેનુ ંનામ રોહન મેહરા હોવાનું જણાવ્યું હતું. રોહને જણાવ્યું હતું કે તેઓ નિર્ભયા કેસ આધારિત એક ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમા એક રોલ માટે તેનું સિલેક્શન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેણે પૂજાને વિલેપાર્લેની ઇસ્કોન મંદિર પાસે મળવા બોલાવી હતી.
આ વ્યક્તિ જ્યારે પૂજાને મળવા આવ્યો ત્યારે તે એક સ્ક્રીપ્ટ પણ સાથે લાવ્યો હતો અને તેની નીચે અક્ષયકુમારની સહી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે ઘણા જાણીતા સ્ટાર કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે અમૂક ટીપ્સ આપી પૂજાને તેનો પોર્ટફોલિયો બનાવવો પડશે તેવું જણાવ્યું હતું. આ માટે એક ફેમસ ફોટોગ્રાફર તેના ફોટા કાઢશે અને પોર્ટફોલિયો બનાવવાનો છ લાખ રૃપિયાનો ખર્ચો થશે તેવું જણાવ્યું હતું.
છ લાખની રકમ વધુ હોવાથી પરિવારજનો સાથે ચર્ચા કરી જણાવું છે તેવું પૂજાએ રોહનને કહ્યું હતું. ઘરે આવી પૂજાએ અક્ષયકુમારની પીએ ઝેનોબિયાનો સંપર્ક કરી પૂછપરછ કરતા રોહન મહેરા નામની કોઇ વ્યક્તિ તેમની સાથે કામ કરતી નથી તેવી સ્પષ્ટતા કરી હતી. પોતાની સાથે ફ્રોડ થઇ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા પૂજાએ પરિવારજનોને વિશ્વાસમાં લઇ આ બાબતે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે જૂહુની એક હોટલમાં છટકું ગોઠવી પૂજાને મળવા આવેલ રોહનને ઝડપી લીધો હતો. રોહનની વધુ પૂછુપરછ કરતા તેનું સાચુ નામ પ્રિન્સકુમાર રાજન સિંહા હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તેની સામે છેતરપિંડી સહિત આઇપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.