Get The App

દેશ દુનિયાના મહાનુભવોની રતન ટાટાને શ્રદ્ધાંજલિ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
દેશ દુનિયાના મહાનુભવોની રતન ટાટાને શ્રદ્ધાંજલિ 1 - image


ઉદ્યોગજગત, નેતાઓ, અભિનેતાઓની અંજલિ

મુંબઈ  : ભારત સહિત સમગ્ર વિશ્વના બિઝનેસ જગતના આગેવાનો, રાષ્ટ્રીય નેતાઓ, અભિનેતાઓ, સામાજિક કાર્યકરો સહિત વિશ્વભરમાંથી રતન ટાટાને શ્રદ્ધાજલિઓ અપાઈ હતી. સોશિયલ મીડિયા પર લાખો સામાન્ય લોકોએ પણ પોતાની ભાવપૂર્ણ અંજલિ દ્વારા સ્વ. રતન ટાટાજી કુનેહ, વિનમ્રતા, સખાવત, ઉદારતા, બિઝનેસ લીડરશીપને યાદ કર્યાં હતાં. 

કેટલીક પ્રમુખ હસ્તીઓએ તેમને આપેલી અંજલિ આ મુજબ છે. 

અમે છેલ્લે ગૂગલ ખાતે મળ્યા હતા. અમે સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજી વાયમો વિશે વાત કરી હતી. તેમનું વિઝન ખરેખર પ્રેરણાદાયક હતું. આધુનિક ભારતના બિઝનેસને ઘડવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. ભારતને બહેતર બનાવવાની તેમની પ્રતિબદ્ધતા સતત પ્રતિબિંબિત થતી હતી. 

સુંદર પિચાઈ, સીઈઓ ગૂગલ

રતન ટાટા એક વિઝનરી આગેવાન હતા. લોકોની જિંદગીઓને બહેતર બનાવવાનું તેમનું સમર્પણ ભારત અને સમગ્ર વિશ્વ માટે એક કાયમી છાપ છોડી ગયું છે. મને તેમની સાથે મુલાકાતનું સૌભાગ્ય અનેક વખત સાંપડયુંહ હતું અને માનવતાની સેવા તથા હેતુપૂર્ણ જીવનની તેમની ભાવના મને હંમેશાં સ્પર્શતાં રહ્યાં હતાં. 

-બીલ ગેટ્સ, માઈક્રોસોફ્ટના સ્થાપક

રતન ટાટા એક વિઝનરી ઉદ્યોગપતિ અને સખાવતી હતા. તેમણે સમાજના ઉત્થાન માટે ખંતપૂર્વક  પ્રયાસો કર્યા હતા. તેમના નિધનથી મેં એક  ઉમદા મિત્ર ગુમાવ્યા છે. તેમની સાથેના અનેક સંવાદો દરમિયાન મને હંમેશાં પ્રેરણા અને ઊર્જા મળતાં  હતાં.  અને ઊચ્ચ માનવીય મૂલ્યોને મૂર્તિમંત કરતાં તેમના ઉદ્દાત વ્યક્તિત્વ માટે હંમેશાં મારું માન વધતું રહેતું હતું. 

-મુકેશ અંબાણી, રિલાયન્સ ઉદ્યોગ સમૂહના વડા

રતન ટાટા એક વિઝનરી બિઝનેસ આગેવાન, એક કરુણપૂર્ણ આત્મા, અને એક અસામાન્ય વ્યક્તિ હતા .તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગ સમૂહને મજબૂત નેતૃત્વ પૂરું પાડયું હતું. કંપનીના બોર્ડરુમની બહાર પણ તેમનું વિશાળ પ્રદાન હતું. તેમની વિન્રમતા, ઉદારતા તથા સમાજને બહેતર બનાવવાના અડગ નિર્ધારને કારણે તેઓ અનેક લોકોની ચાહના ધરાવતા હતા. 

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન 

રતન ટાટા માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પ્રતિષ્ઠિત બિઝનેસપર્સન હતા. ટાટા ગૂ્રપ જ્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ તેમણે જૂથને મજબૂત નેતૃત્વ અને માર્ગર્શન પ્રદાન કર્યાં હતાં. 

-અમિત શાહ, ગૃહ પ્રધાન 

રતન ટાટા વિઝન ધરાવતી હસ્તી હતા. તેમણે બિઝનેસ તથા સખાવત બંને ક્ષેત્રો પર પોતાની અમીટ છાપ છોડી છે. 

-રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા 

રતન ટાટાનું નિધન થયું છે તે વાત હું સ્વીકારી શકતો નથી.  ભારત નું અર્થતંત્ર એક હરણફાળ ભરવાના આરે છે. આપણે આજે આ સ્થિતિએ છીએ તેમાં રતન ટાટાનું મહત્વનું પ્રદાન છે. 

-આનંદ મહિન્દ્રા, મહિન્દ્રા ઉદ્યોગ સમૂહના વડા

રતન ટાટાના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. બહુ જ સન્માનિત, અપૂર્વ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વિઝનરી આગેવાન છતાં બહુ જ વિનમ્ર વ્યક્તિ હતા.  અમે સાથે અનેક અભિયાનો હાથ ધર્યાં હતાં અને તેમની સાથે કેટલીય અવિસ્મરણીય ક્ષણો માણી છે. 

-અમિતાભ બચ્ચન, અભિનેતા



Google NewsGoogle News