Get The App

સિનિયર સિટિઝનને શહેરથી દૂર ઉતારી દેનાર ટ્રાવેલ કંપનીઓએ બે લાખ રૃપિયા વળતર ચૂકવ્યુ

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
સિનિયર સિટિઝનને શહેરથી દૂર ઉતારી દેનાર ટ્રાવેલ કંપનીઓએ બે લાખ રૃપિયા વળતર ચૂકવ્યુ 1 - image


70 વર્ષના શેખર હટ્ટંગડીએ ઉદ્ધત ટ્રાવેલ કંપનીઓને પાઠ ભણાવ્યો    

હાઇવે પર સમારકામ ચાલતું હોઇ બસને બીજા માર્ગે જવાનું હોઇ પ્રવાસીને રસ્તામાં અધવચ્ચે ઉતારી દીધેલાં

મુંબઇ - ટ્રાવેલ પોર્ટલ અને બસ સર્વિસ પુરી પાડનારી કંપનીએ ફરિયાદીને માર્ગ બદલાયો હોવાની આગોતરી જાણ ન કરતાં અને પ્રવાસની વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડયા વિના જ અધવચ્ચે હાઇ વે પર ઉતારી મુકતાં ગ્રાહક પંચે  ફરિયાદી ૬૯ વર્ષના સિનિયર સિટિઝન શેખર હટ્ટગંડીને બે લાખ રૃપિયા વળતરરૃપે ચૂકવવાનો ટ્રાવેલ કંપનીઓને આદેશ આપ્યો હતો. પરંતુ ટ્રાવેલ કંપનીઓએ ગ્રાહક અદાલતના આદેશ બાદ પણ વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં ફરિયાદીએ ફરી અદાલતમાં અરજી કરતાં કંપનીઓના લાપરવા વલણથી વીફરેલી અદાલતે પોલીસ દ્વારા સમન્સ મોકલી નાણાં વસૂલવા માટે કાર્યવાહી કરવાનો આદેશ આપતાં આખરે કસુરવાર કંપનીઓએ ફરિયાદીને ડિસેમ્બર ૨૦૨૪માં નાણાં ચૂકવી આપ્યા હતા. વૃદ્ધ ફરિયાદીને પડેલી અગવડ અને અસંતોષકારક સેવાઓના વળતર તરીકે ગ્રાહકપંચે ફરિયાદીને વળતર ચૂકવી આપવાનો આદેશ જાન્યુઆરી ૨૦૨૪માં આપ્યા હતો. 

કાંદિવલી પૂર્વના લોખંડવાલા  વિસ્તારમાં રહેતાં શેખર હટ્ટગંડીએ બાર ડિસેમ્બર ૨૦૧૮માં ટ્રાવેલયારીડોટકોમ નામની વેબસાઇટ પરથી સુરતથી મુંબઇ આવવા માટે પાઉલો ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરવા માટે  ૭૪૫ રૃપિયા ચૂકવી ટિકિટ ખરીદી હતી. હટ્ટંગડી બસમાં મુંબઇ આવી રહ્યા હતા ત્યારે તેમને હાઇવે પર શહેરથી ૫૦ કિમીના અંતરે મધરાતે ઉતરી જવાની ફરજ પડાઇ હતી. પાઉલો ટ્રાવેલ્સે બસના માર્ગમાં થયેલાં ફેરફારની વિગતો જણાવી નહોતી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી નહોતી. ડ્રાઇવરને આ બાબતે ફરિયાદ કરતાં તેણે માર્ગમાંથતાં ફેરફારની માહિતી આપવાનું તેની ફરજમાં ન આવતુ ંહોવાની જણાવી પ્રવાસીને મધરાતે અધવચ્ચે ઉતરી જવાની ફરજ  પાડી હતી. એ પછી પ્રવાસી શેખર હટ્ટગંડી રિક્ષા અને લોકલ ટ્રેનની મુસાફરી કરી બીજે દિવસે તેમના કાંદિવલી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મામલે શેખર હટ્ટગંડીએ સેવા પુરી પાડનારી મેન્ટિસ ટેકનોલોજીઝ પ્રા.લિ., પાઉલો ટ્રાવેલ્સ પ્રા.લિ. અને પાઉલો ટ્રાવેલ્સના કાર્યવાહક સીઇઓ માયરોન પરેરા સામે આ મામલે ફરિયાદ કરી વળતરની માંગણી કરી હતી. 

બાર નવેેમ્બર ૨૦૨૧ના હટ્ટગંડીએ મુંબઇ સબર્બન ડિસ્ટ્રિકટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ  સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો હતો. શેખર હટ્ટગંડીએ જાતે આ કેસ લડી કંપનીઓ સામે વળતર મેળવવા લડત આપી હતી. શેખર હટ્ટંગડીએ ફરિયાદ કરતાં તેમને જણાવાયું હતું કે અમદાવાદ-મુંબઇ હાઇવે પર ચાલી રહેલાં સમારકામને પગલે  બસડ્રાઇવર્સે  મુખ્ય હાઇવેને બદલે થાણે થઇ જવું પડે છે. ગ્રાહક પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદીને અડધી રાતે હાઇવે પર ઉતારી દેવામાં આવતાં તેમને જાતે ઘરે પહોંચવાની વ્યવસ્થા કરવી પડી હતી. જેના કારણે તેમને માનસિક પરિતાપ  અને મુશ્કેલી ભોગવવી  પડી  હોઇ તેઓ વળતર મેળવવાને હકદાર છે. પંચે  તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે મેન્ટિસ ટેકનોલોજીસ દ્વારા ઇ-મેઇલ દ્વારા તેમની ભૂલ સ્વીકારવામાં આવી હતી જે દર્શાવે છે કે ગ્રાહકને સેવા પુરી પાડનાર કંપનીની કામગીરી સંતોષકારક નહોતી. વળી કંપનીએ પણ આ બાબતે કોઇ તકરાર કરી નથી. 

ગ્રાહક પંચે તેના ચૂકાદામાં  મેન્ટિસ ટેકનોલોજીઝ પ્રા.લિ., પાઉલો ટ્રાવેલ્સ પ્રા.લિ. અને પાઉલો ટ્રાવેલ્સના કાર્યવાહક સીઇઓ માયરોન પરેરાને શેખર હટ્ટગંડીને બ ે લાખ રૃપિયાનું વળતર અને અદાલતી ખર્ચ પેટે બે હજાર રૃપિયા બે મહિનામાં ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો.પરંતુ કંપનીઓએ આ આદેશનું તત્કાળ પાલન કરવાને બદલે આંખ આડા કાન કરવાનું વલણ અખત્યાર કર્યું હતું. આખરે ફરિયાદી હટ્ટગંડીએ ફરી અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે ગ્રાહક અદાલતના આદેશ છતાં તેમને વળતરની રકમ ચૂકવાઇ નથી. જેને પગલે અદાલતે પોલીસ દ્વારા સંબંધિત આરોપીઓને સમન્સ મોકલી નાણાં ચૂકવવાની તાકીદ કરી હતી અને જો નાણાં ન ચૂકવાય તો વધુ કાનુની પગલાંનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. જેને પગલે બંને કંપનીઓ દ્વારા ફરિયાદીને વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવી આપવામાં આવી હતી. મુદ્દો એ છે કે અદાલતના આદેશ છતાં કસુરવાર કંપનીઓ વળતર ચૂકવવામાં અખાડા કરે છે. આ કેસમાં ફરિયાદીએ કાનુની પ્રક્રિયાનું અંત સુધી પાલન કરાવી વ્યાજ સાથે કસુરવાર કંપનીઓ પાસેથી વળતર મેળવી દાખલો બેસાડયો છે.  



Google NewsGoogle News