Get The App

મુંબઈમાં ચોરી કરવા આસામથી ફલાઈટમાં જ પ્રવાસ : દર વખતે વિગ બદલીને ચોરી

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ચોરી કરવા  આસામથી ફલાઈટમાં જ પ્રવાસ : દર વખતે વિગ બદલીને ચોરી 1 - image


ચોરની સ્ટાઈલ વિશે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ચોરી માટે દર 2 મહિને  ફલાઈટમાં અપડાઉનઃ પોલીસે છેક આસામ જઈને પકડયો

મુંબઈ :  થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક એવા રીઢા ચોરટાને પકડી પાડયો હતો જે ખોટી વિગ અને તેનો સમગ્ર દેખાવ બદલી આસામથી આવી મુંબઈ, થાણા અને નવીમુંબઈમાં ઘરફોડી આચરતો હતો. આ ચોરટાની ખાસિયત એ પણ હતી કે તે ચોરી અને ઘરફોડીની ઘટનાને અંજામ આપી વિમાનમાં બેસી પાછો તેના રાજ્યમાં રવાના થઈ જતો હતો.

આજના હાઈટેક યુગમાં ચોરટાઓ પણ હાઈટેક બની ગયા છે અને લોકોને ઠગવા નીત-નવા નુસખા અને મોડ્સ ઓપરેન્ડી ને અમલમાં લાવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક હાઈટેક ચોરની ધરપકડ કરી છે. આ ચોરટાનું નામ મોઈનુલ અબ્દુલ મલિક ઈસ્લામ છે અને તે મૂળ આસામનો વતની છે. મોઈનુલ દર મહિને બે મહિને આસામથી મુંબઈ આવતો અને મુંબઈ, થાણે, નવી મુંબઈના બંધ ઘરોને લક્ષ્ય બનાવતો હતો. થાણે જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં ઘરફોડીની ઘણી ઘટના બનતા પોલીસ પણ સર્તક બની ગઈ હતી અને આ ઘટનામાં સામેલ ચોરટાને પકડી પાડવા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

આરોપી મોઈનુલ એક રીઢો ચોરટો હતો અને સાથે જ તે એક ચાલાક અને ભેજાબાજ હોવાથી તે પોલીસથી બચવા નવી યુક્તિઓ અજમાવતો. મોઈનુલ ટાલિયો હતો પણ સીસીટીવીમાં તેની ઓળખ છતી ન થાય તે માટે તે વિગ પહેરતો આ સિવાય તે આવી ઘટના પહેલા તેનો સમગ્ર દેખાવ બદલી નાંખતો તેમજ મોટો હાથફેરો કરી વિમાનમાં બેસી આસામ રવાના થઈ જતો.

થાણે જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં મોઈનુલે ૧૯થી વધુ ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો હતો તેથી પોલીસે આ કેસનો બારીકાઈથી અભ્યાસ કરી વધુ ઈન્પુટ્સ મેળવી મોઈનુલને ઓળખી લીધો હતો. ત્યારબાદ થાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બહુરુપિયાને આસામ જઈ તેના ગામમાંથી પકડી પાડયો હતો. પોલીસે તેના પાસેથી ૬૨ લાખ રૃપિયાના ચોરીના દાગીના પણ જપ્ત કર્યા હતા. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરતા તેને પાંચ દિવસી પોલીસ કસ્ટડી ફટકારી હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચ તેની વધુ પૂછપરછ કરી રહી છે જેથી ચોરીની વધુ ઘટના અને ચોરીનો માલ ક્યાં-ક્યાં વેચ્યો છે તેની જાણકારી મેળવી શકાય.



Google NewsGoogle News