Get The App

ખાનગી કાર પર લાલબત્તી લગાડનારી ટ્રેઈની આઈએએસ પૂજા ખેડેકરની બદલી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ખાનગી કાર પર લાલબત્તી લગાડનારી ટ્રેઈની આઈએએસ પૂજા ખેડેકરની બદલી 1 - image


ચિત્રવિચિત્ર ડિમાન્ડથી  ત્રાસી રજૂઆતો બાદ આખરે પુણેથી વાશિમ બદલી

પ્રોબેશનરી ને ન મળે તેવી સરકારી કાર, સ્ટાફ અને સિક્યોરિટીની માગણી, એડિશનલ કલેક્ટર બહાર હતા તો તેમની ચેમ્બર પણ પચાવી પાડી

મુંબઇ :  ટ્રેઈની આઈએએસ ઓફિસર હોવા છતાં પણ પોતાની ખાનગી કાર પર મહારાષ્ટ્ર સરકાર લખેલી પ્લેટ અને લાલ બત્તી લગાડીને ઘૂમનારી તથા એક એડિશનલ કલેક્ટરની ગેરહાજરીમાં તેમની ચેમ્બર પચાવી પાડનારી અને હજુ પ્રોબેશન પર હોવાને કારણે પાત્રતા ન હોવા છતાં પણ સરકારી કાર, સ્ટાફ, સિક્યોરિટી સહિતની માગણીઓ કરી સમગ્ર તંત્રને  ઉપરતળે કરી દેનારી પૂજા ખેડેકરની આખરે પુણેથી વાશિમ બદલી કરી દેવામાં આવી છે. યુપીએસસીમાં ઓલ ઈન્ડિયા ૮૨૧ રેન્ક મેળવનારી પૂજા ખેડેકરને પુણેમાં આસિ. કલેક્ટર તરીકે પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવી હતી. હવે તેને વાશિમ જિલ્લામાં સુપર ન્યૂમરી આસિ. કલેક્ટર તરીકે મોકલી દેવાઈ છે. 

પૂજા ખેડેકર દ્વારા તેના હોદ્દાને લાયક ન હોય તેવી અનેક માગણીઓ કરીને સમગ્ર તંત્રને ઉપરતળે  કરી દેવાયુ ંહતું. આથી સમગ્ર જિલ્લાનો સરકારી સ્ટાફ ત્રાહિમામ પોકારી ગયો હતો. આખરે પુણે કલેક્ટરે રાજ્યના ચીફ સેક્રેટરીને સમગ્ર  બાબતની જાણ કરી હતી. તેને પરિણામે પૂજા ખેડેકરની બદલી કરી દેવામાં આવી છે. 

પૂજા ખેડેકરે પોતાની ખાનગી લકઝરી કાર પર રેડ-બ્લૂ બીકન લાઇટ  અને વીઆઇપી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો . તેમની ખાનગી ઓડી કાર પર પણ મહારાષ્ટ્ર સરકાર લખેલી પ્લેટ લગાડી દેવામાં આવી હતી.  પૂજાએ ે વીઆઇપી નંબર પ્લેટ ધરાવતી સરકારી કાર, રહેવા માટે ઘર, પર્યાપ્ત સ્ટાફ સાથેની ઓફિસ અને કોન્સ્ટેબલની માગણી કરી હતી.

નિયમો અનુસાર ટ્રેઇની અધિકારીને ઉપર જણાવેલી સુવિધાઓ આપવામાં આવતી નથી. તાલીમી અધિકારીની ગેઝેટેડ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવે તે પછી જ ઉપર જણાવેલી સુવિધાઓ મળી શકે છે. 

આ ઉપરાંત એડિનશનલ કલેક્ટર અજય મોેરે પુણેની બહાર ગયા ત્યારે પુજા ખેડેકરે તેમના કક્ષનો કબજો લઈ લીધો હતો. તેમણે ત્યાં પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું.  એડિશનલ કલેક્ટરની પરવાનગી વગર તેમની ઓફિસમાંથી ખુરશીઓ, સોફાટ, ટેબલ સહિતનું ફર્નિચર ખેડેકરે હટાવી દીધું હતું. પૂજાએ કર્મચારીઓને પોતાના માટે લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, સરકારી સીલ તથા ઈન્ટરકોમ સહિતની સુવિધાઓ પૂરી પાડવા આદેશો છોડયા હતા. 

નિવૃત્ત વહીવટી અધિકારી અને પૂજાના પિતા દિલીપ ખેડેકરે કલેક્ટરની ઓફિસ પર કથિત દબાણ કરી પૂજાની માગણીઓ પૂરી કરવા કહ્યું હતું. જો આમ નહીં કરાય તે તેના પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી કથિત રીતે દિલીપ ખેડેકરે અધિકારીઓને આપી હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News