ચુનાભઠ્ઠી, ભાંડુપ, સાયન સહિતના સ્ટેશનો પરના ટ્રેક પાણીમાં ગરકાવ થતાં ટ્રેનો ઠપ
પશ્ચિમ રેલવેમાં ટ્રેનો વહેલીમોડી દોડી, સેન્ટ્રલ લાઈન સાવ ઠપ
બપોર પછી ધીમે ધીમે વ્યવહાર શરુ થયો, હજારો લોકો ટ્રેક પર ચાલ્યા, લાંબા અંતરની ટ્રેનો પણ રદ અથવા તો ટૂંકાવી દેવાઈ
મુંબઇ : રવિવાર રાતથી અને સોમવારે આખા દિવસ દરમિયાન વરસેલા વરસાદે સેન્ટ્રલ, હાર્બરની ટ્રેનો ઠપ કરી નાખી હતી. જો કે પશ્ચિમ રેલવેમાં વરસાદને લીધે ટ્રેન વ્યવહાર પર કોઇ ખાસ અસર થઇ ન હતી. ઘણા બધા સ્ટેશનોમાં ટ્રેક પર પાણી ભરાયું હતું. સવારે પીક અવર્સમાં મુંબઇગરાઓને ભારે હાલાકી થઇ હતી. વરસાદી માહોલ અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને પ્રવાસીઓને ટ્રેન પ્રવાસ ન કરવાની પણ અપીલ કરી હતી.
સેન્ટ્રલ રેલવે
મૂશળધાર વરસાદમાં સોમવારે સવારથી જ અંબરનાથ, બદલાપુર, ટિટવાળા અને કલ્યાણથી સીએસટીની લોકલ ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. ભાંડુપ રેલવે સ્ટેશનમાં ભારે પાણી ભરાઇ જવાથી સીએસટીની દિશામાં લોકલો બંધ કરવામાં આવી હતી.
- સવારે ૬.૩૦ વાગ્યાં સુધીમાં ભાંડુપ- નાહુર વચ્ચે પાણી ભરાઇ ગયું હતું પાસ્ટ તથા ધીમી લોકલો મોડી દોડી રહી હતી.
- સવારે ૮.૩૦ વાગ્યે મળેલી અપડેટ મુજબ સીએસટી-થાણે વચ્ચે અપ- ડાઉન ફાસ્ટ લાઇન પર ટ્રેનો રદ કરવામાં આવી જો કે ડાઉન અને અપધીમી લાઇન પર ટ્રેનો ધીમી ગતિએ પણ ચાલુ હતી.
- સવારે ૧૦.૩૦ વાગ્યે સીએસટી- થાણે વચ્ચે ડાઉન અને અપ ફાસ્ટ લાઇન પર ટ્રેન સેવાઓ મર્યાદિત ગતિએ અને મેલ એક્સપ્રેસ ટ્રેનો પણ ધીમી ગતિએ ચાલુ હતી. સાંજે ચાર વાગ્યા સુધી ટ્રેનોની આવી જ સ્થિતિ રહી હતી.
- દરમિયાન તમામ એસી ટ્રેનો અને ૧૫ કોચવાળી ટ્રેનો પણ સામવારે રદ કરાઇ હતી.
-સીએસટી- પુણેની ડેક્કન, ઇન્ટરસિંટી, સિંહગઢ, ડેક્કન ક્વીન તથી સીએસટી-મનમાડ પંચવટી એક્સપ્રેસ રદ કરાઇ હતી. વળતી દિશામાં પુણેની ટ્રેનો રદ કરવામાં આવી હતી અને પંચવટી એક્સપ્રેસને ઇગતપુરી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરાઇ હતી.
- સીએસટીથી જાલના રવાના થનારી વંદેભારત બપોરે ૧.૧૭ વાગ્યે કલ્યાણથી રવાના કરાઇ હતી અને જાલનાથી આવતી વંદેભારત પણ કલ્યાણ સુધી દોડી હતી.
- કલ્યાણ સ્ટેશનના પ્રવાસીઓને સહુથી વધુ હેરાનગતિ વેઠવી પડી હતી. સવારે કલાકો સુધી ટ્રેનની રાહ જોતા ઉભા રહીને કંટાળેલા પ્રવાસીઓ ઓફિસ જવાનું માંડી વાળીને ઘરે પાછા ફર્યા હતા. વરસાદ થોભવાથી ટ્રેનો યથાવત થશે તેવી આશા પ્રવાસીઓને હતી. ઠેર ઠેર પ્રશાસને પંપ ગોઠવીને પાણીનો નિકાલ કર્યો હતો.
- સાંજે છ વાગ્યા પબાદ વરસેલા એકધારા વરસાદે ફરી સવાર જેવી જ સ્થિતિ સ્ટેશનો પર નિર્માણ કરી હતી. થાણેમાં પ્લેટફોર્મ નંબર એકમાં ટ્રેક પર પાણી ભરાયું હતું. રાત્રે આઠ વાગ્યાની આસપાસ સેન્ટ્રલ રેલવેના ઘાટકોપર, થાણે, મુલુંડ સહિતના ભીડવાળા સ્ટેશનો પર વધારે પડતી ભીડ જોવા મળી હતી.
હાર્બર રેલવે
- સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ હાર્બરમાં ટ્રેન પ્રવાહ સામાન્ય રૃપે ચાલુ હતો. ત્રણ કલાક પછી ચુનાભઠ્ઠી સ્ટેશનમાં ટ્રેક પર પાણી ભરાઇ જવાથી હાર્બરમાં લોકલ વ્યવહાર ઠપ કરવામાં આવ્યો હતો.
- બપોરે એક વાગ્યા દરમિયાન અને સાંજ સુધી પનવેલ- માનખુર્દ- સીએસટી/ વડાલા- રોડ ગોરેગાવ વચ્ચે હાર્બર ટ્રેનો ધીમી ગતિએ ગતિમાન હતી. પ્રથમ લોકલ વાશીથી બપોરે ૧.૧૩ વાગ્યે ઉપડી હતી. જો કે દિવસ દરમિયાન ટ્રેનો મોડી દોડવાથી હાર્બરના સ્ટેશનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી. હાર્બરના ઘણા પ્રવાસીઓ અધ્ધ વચ્ચે અટકેલી ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક ઉપરથી ચાલતા સ્ટેશનો સુધી પહોંચ્યા હતા.
પશ્ચિમ રેલવે
- પશ્ચિમ રેલવેમાં દાદર સ્ટેશને અને ચર્ચગેટ સુધીના સ્ટેશનોના ટ્રેક પર પણ પાણી ભરાયું હતું. સવારે નવ વાગ્યાની આસપાસ ટ્રેનો ૧૦થી ૧૫ મિનિટના વિલંબથી દોડી રહી હતી. માટુંગા રોડ અને દાદર વચ્ચે ટ્રેક લેવલથી ઉપર પાણી જમા થયું હતું. પશ્ચિમ રેલવે મુજબ ઉચ્ચ ક્ષમતા વાળા પંપ પાણીના નિકાલ માટે કામે લગાડવામાં આવ્યા હતા. જેને કારણે ટ્રેનો રદ કરવાની જરૃર પડી ન હતી. ઉપરાંત મેલ એક્સપ્રેસ પણ સમયસર દોડી રહી હતી. મહત્વના લોકેશનો પર સ્ટાફ દ્વારા પરિસ્થિતિની સતત દેખરેખ રખાઇ હતી. બપોર ૧૨ વાગ્યા સુધીમાં પશ્ચિમ રેલવેનો રેલ વ્યવહાર યથાવત ચાલ્યો હતો.
વડાલાના પંપ બંધ રહેતાં હાર્બર લાઈન મોડે સુધી ચાલુ ન થઈ
સવારે ૧૦ વાગ્યા બાદ વરસાદનું જોર ઘટવાથી પાણી ઓસરવાની શરૃઆત થઇ હતી અને બંધ કરાયેલા લોકલ માર્ગ ફરી ચાલુ કરવામાં આવ્યા હતા. પણ વડાલા- માનખુર્દ દરમિયાન પાણીનો નિકાલ કરનારા પંપ બંધ પડયા હોવાથી સ્થિતિમાં જલદી સુધારો પ્રશાસન કરી શક્યું ન હતું. હાર્બરમાં ૮૫ ઠેકાણે બેસાડેલા પંપમાંથી વડાલામાં આઠથી ૧૧ પાલિકાના પંપ બંધ પડયા હતા. તેની સાંજ સુધી હાર્બરમાં ટ્રેનો ધીમી ગતિએ જ દોડી રહી હતી. ઇતર માર્ગો પરના પંપ કાર્યરત હતા. સાંજે ચાર વાગ્યા બાદ સીએસટી- વડાલા અને માનખુર્દ પનવેલ લોકલ સેવા શરૃ હતી. તેવું સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું. દરમિયાન પાલિકાના જનસંપર્ક વિભાગે પાલિકાના પંપ બંધ હોવાનું નકાર્યું હતું. ચોમાસા અગાઉની તૈયારીમાં રેલવે પ્રશાસને દાવો કર્યો હતો કે તેમણે વરસાદમાં રેલ વ્યવહાર ન ખોરવા તેની પાક્કી વ્યવસ્થા કરી છે. ઠેર ઠેર પાણીના નિકાલ માટે પંપ બેસાડયા હોવાનું કહ્યું હતું પણ પ્રથમ જ ભારે વરસાદમાં રેલવેનો દાવો પોકળ સાબિત થયો હતો.