ટ્રેઈની આઈએએસ પૂજાની માતા મનોરમા ખેડકર રાયગઢની હોટલમાંથી ઝડપાઈ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ટ્રેઈની આઈએએસ પૂજાની માતા મનોરમા ખેડકર રાયગઢની હોટલમાંથી ઝડપાઈ 1 - image


ખેડૂને પિસ્તોલ દેખાડી ધમકી આપ્યાનો ગુનો નોંધાયા બાદ ભાગતી ફરતી હતી

કેસ નોંધાયા બાદ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલા પૂજાના પિતા દિલીપ ખેડકરની ભાળ મેળવવા પોલીસની ઠેર ઠેર સર્ચ 

મુંબઇ :  પુણે પોલીસે વિવાદાસ્પદ આઇએએસ પ્રોબેશનરી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની રાયગઢની હોટેલમાંથી ધરપકડ કરી છે. તેમના પર જમીનની માલિકીના વિવાદને લીધે કેટલાક લોકોને પિસ્તોલ બતાવીને ધમકી આપી હોવાનો આરોપ છે.

પુણેના મુળશી તાલુકામાં ઘડવલી ગામમાં જમીનના વિવાદને લઇને મનોરમા ખેડકર ખેડૂતને પિસ્તોલ બતાવીને ધમકી આપી હોવાનો વીડિયો અને ફોટો વાયરલ થયો હતો. જેના પગલે પુણે  ગ્રામિણની પૌંડ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર તથા અન્ય પાંચ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૩૨૩, આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પુણે પોલીસની અનેક ટીમ મનોરમાની શોધખોળ કરી રહી હતી. પોલીસની ટીમ મનોરમાના પાથર્ડી તાલુકાના ગામ પુણેના બંગલોમાં તપાસ કરવા ગઇ હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન રાયગઢના મહાડ તાલુકામાં હિરકરણવાડીમાં આવેલી પાર્વતી લોજમાં મનોરમા છુપાઇ હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમે હોટેલમાં છાપો મારીને મનોરમાને ઝડપી લીધી હતી.

તેને પકડીને પુણેના પૌંડ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. જ્યાં જરૃરી કાર્યવાહી બાદ મનોરમાની તબીબી તપાસ કરાઇ હતી. આ કેસમાં મનોરમાના પતિ અને અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની ઉમેદવારી વખતે પૂજા ખેડકરના વિકલાંગ અને ઓબીસીના સર્ટીફિકેટ તથા પુણે કલેક્ટરની ઓફિસમાં કાર્યકાળ દરમિયાન તેમના વર્તનને લીધે વિવાદમાં સપડાયા હતા.

આ ઉપરાંત ગેરકાયદેસર રીતે કાર પર લાલબત્તી અને મહારાષ્ટ્ર સરકારના લખાણનો ઉપયોગ ક રવા બદલ તપાસ કરવામાં આવી રહી છે. ખેડકરની આ કાર જપ્ત કરવામાં આવી છે. આ વિવાદ વચ્ચે સરકારે મંગળવારે પૂજા ખેડકરના ડિસ્ટ્રીક્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ પર રોક લગાવી દીધી હતી.પુણેથી તેમને વાશિમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર નિવૃત્ત સરકારી ઓફિસર છે. તેમની સામે બિનહિસાબી સંપત્તીના સંબંધમાં પુણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નાશિક એસીબી દ્વારા પહેલાથી જ કથિત બેનામી મિલકત સંબંધમાં દિલીપ ખેડકર સામે તપાસ ચાલી રહી છે.

મનોરમાએ અન્ય ખેડૂતોને પણ ધમકાવ્યા હોવાની તપાસ

મનોરમા ખેડકરને ૨૦મી સુધી રિમાન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો ઉમેરાયો

કોર્ટે પૂજા ખેડકરની માતાને ૨૦ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.આ ઉપરાંત પોલીસે તેની સામેના ગુનામાં કલમ ૩૦૭નો ઉમેરો કર્યો છે. પુણે ગ્રામિણ પોલીસે જમીનના વિવાદમાં ખેડૂતને પિસ્તોલ દાખવી ધમકી આપવાના આરોપસર મનોરમા ખેડકરની ધરપકડ  બાદ આજે પૌંડની સ્થાનિક કોર્ટમાં હાજર કરી હતી. 

મનોરમા ફરિયાદી પર દબાણ લાવે તેવી આશંકા સહિતના કારણો દર્શાવી પોલીસે રિમાન્ડ માગ્યા

કોર્ટમાં સરકારી અને આરોપીના વકીલની દલીલ સાંભળ્યા બાદ મનોરમાને ૨૦ જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી. કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ અને કાર જપ્ત કરવાની બાકી છે આથી ફરિયાદી અને અન્ય વ્યક્તિ પર દબાણ કરવાની શક્યતા છે. અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આરોપીની મુળશી તાલુકામાં અન્ય સ્થળે જમીન  છે. ત્યાં પણ તેણે ખેડૂતોને ધમકી આપી હતી કે કેમ એની તપાસ કરવાની છે. આમ આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

આરોપીના વકીલે જણાવ્યું કે આ જમીન વર્ષ ૨૦૦૬માં ખરીદવામાં આવી હતી. અત્યાર સુધી આરોપી સામે એકપણ ગુનો નોંધાયેલો નથી. આમ અચાનક કેસમાં કલમ ૩૦૭નો ઉમેરો કરવામાં આવ્યો છે. આરોપી સામેની દરેક કલમ જામીનપાત્ર છે. આરોપી તપાસમાં સહકાર આપે છે. કોર્ટમાં મોબાઇલ ફોનમાં મનોરમાં ખેડકરનો વીડિયો બતાવવામાં આવ્યો હતો.

મનોરમાએ  સ્વરક્ષણ માટે પિસ્તોલ બહાર કાઢી હોવાનો પતિનો દાવો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૮

પત્ની મનોરમા ખેડકરે પિસ્તોલ કેમ બહાર કાઢી તેના વિશે પતિ દિલીપ ખેડકરે અગાઉ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મારી પત્ની મનોરમા અમારી માલિકીની જમીન જોવા ગઇ હતી. ત્યારે આઠથી દજસ લોકો જમા થઇ ગયા હતા અને મારી પત્ની પર હુમલો કર્યો હતો. આ બાબતે એફઆઇઆર દાખલ કરાઇ હતી. અમને આ જમીન પર જતા રોકવામાં આવે છે, ધમકી આપવામાં આવી હતી.

એક મહિલા એકલી પોતાની જમીન જોવા જાય ત્યારે બોડીગાર્ડ અને પિસ્તોલ સાથે રાખવાં પડે

મનોરમાઅ ે સ્વસંરક્ષણ માટે  પિસ્તોલ બહાર કાઢી હતી. પોલીસે આ પ્રકરણમાં કેસ દાખલ કર્યો છે. તેમમે ખેડૂતે આપોલી માહિતીના આધારે જ કાર્યવાહી કરી છે, પરંતુ તપાસ બાદ સત્ય સામે આવશે. આ પિસ્તોલનું લાઇસન્સ મનોરમાના નામ પર છે. તેણે પોતાના સ્વરક્ષણ માટે  પિસ્તોલ રાખી છે. એકલી મહિલા દુર્ગમ  ભાગમાં જમીન જોવા જાય ત્યારે પોતાના બચાવ માટે બોર્ડીગાર્ડ અને પિસ્તોલ સાથે રાખવી પડે છે, એમ દિલીપ ખેડકરે વધુમાં કહ્યું હતું.



Google NewsGoogle News