ખોપોલી પાસે ટ્રેલર ફૂડ મોલમાં ઘૂસી ગયું : એક યુવકનું મોત
- ટ્રેલર ચાલકે અનેક વાહનોનો ખુડદો બોલાવ્યો
- બોરઘાટ નજીક અકસ્માતમાં ફૂડ મોલનો વેઈટર જ ભોગ બન્યાઃ ટ્રેલરને બહાર કાઢતાં ત્રણ કલાક લાગ્યા
મુંબઈ : પુણે મુંબઈ એક્સપ્રેસવે પર શનિવાર સાજે એક ટ્રેલર ચાલકે કન્ટ્રોલ ગુમાવતાં ટ્રેલર હાઈવે પરના ફૂડ મોલમાં ઘૂસી ગયું હતું. ફૂડ મોલની દીવાલ સાથે અથડાતાં પહેલાં તેણે પાર્કિંગમાં ઊભી રહેલી અનેક કારોનો પણ ખુડદો બોલાવ્યો હતો. આ આકસ્માતમાં ૧૯ વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત રાયગઢના ખોપોલી વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ બોરઘાટ ખાતે ફૂટ મોલની બહાર થયો હતો. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં ૧૯ વર્ષીય ઈન્દ્રદેવ પાસવાનનું મોત થયું હતું.
પાસવાન અહીં ફૂડ મોલનો કર્મચારી હતો. ઘટના મુજબ, ટ્રેલર પુણેથી મુંબઈ જઈ રહ્યું હતું. આ સમયે ટ્રેલર ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો. આ બાદ ટ્રેલર ત્રણ કાર સાથે અથડાયું હતું અને રસ્તાની બાજુમાં આવેલ ફૂટ મોલ ના આગળનો કાચ તોડીને ટ્રક અંદર ઘુસી ગયો હતો.
આ સમયે પાસવાન ફૂડ મોલમાં કામ કરી રહ્યો હતો. જે ટ્રેલર ટ્રકની અડફેટે આવી ગયો હતો. જેમા ટ્રકનું એક ટાયર પાસવાન પર ચઢી ગયું હતું. જેના કારણે પાસવાના માથામાં ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.. આ અકસ્માતમાં ટ્રક ચાલક ઉત્તર પ્રદેશનો રહેવાસી બિપિન યાદવ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં હોટલના અન્ય સ્ટાફ અને ગ્રાહકને કોઈ ઈજા થઈ ન હતી. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
આ ઘટના બાદ ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બાદ આઈઆરબી પેટ્રોલ, ડેલ્ટા ફોર્સ, મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ, હાઈવે પોલીસે બચાવ કામગીરી કરતા ત્રણ કલાકની જહેમત બાદ ટ્રેલરને ફૂડ કોર્ટથી બહાર કાઢ્યું હતું.
આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.