સળંગ 5મા દિવસે સેન્ટ્રલની ટ્રેનો ઠપ થતાં પ્રવાસીઓ ત્રાહિમામ
પરેલ સ્ટેશને વહેલી પરોઢે સિગ્નલ ઠપ
અમુક લોકલ અટકી જતાં પ્રવાસીઓ પાટા પર ચાલ્યાઃ આખો દિવસ 1 કલાક જેટલી લેટ
મુંબઇ : મંગળવારે સળંગ પાંચમો દિવસ સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે મુશ્કેલીભર્યો સાબિત થયો હતો. પરેલ ખાતે અપ ફાસ્ટ લાઇન ઉપર સિંગ્નલમાં પરોઢે ૪.૩૦ વાગ્યાની આસપાસ ખરાબી નોંધાઈ હતી. જેને કારણે સીએસટીની દિશામાં જનારી લોકલો ખોરવાી હતી. પરિણામે વહેલી સવારના નોકરિયાત પ્રવાસીઓને ઓફિસ પહોંચવામાં મોડુ થયું હતું.
ગત ગુરુવારની રાતથી રવિવાર બપોર સુધી સેન્ટ્રલ રેલવેમાં કુલ ૬૩ કલાકનો મેગાબ્લોક હતો. જેમાં થાણે સ્ટેશનના બે પ્લેટફોર્મ પહોળા કરવાનું અને ૩૬ કલાકમાં સીએસટીના પ્લેટફોર્મ નંબર ૧૦/૧૧નું નોન-ઇન્ટરલોકિંગ કરવાનું કામ હાથ ધરાયું હતું. આ સમયગાળામાં પ્રવાસીઓના ભારે હાલ થયા હતા. ત્રણ બ્લોક પૂર્ણ થયાના બીજા દિવસે સોમવારે સવારે સીએસટી સ્ટેશને નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ખરાબી થઈ હતી. તેમ જ કોપર-દિવા દરમિયાન પણ સિગ્નલ સિસ્ટમમાં ફેરફાર તયો હતો. જેને કારણે લોકલ વ્યવહાર ધીમો પડયો હતો.
તેવી જ રીતે પરેલ ખાતે મંગળવારે પરોઢે ૪.૩૦ વાગ્યે ટેક્નિકલ સમસ્યા ઊભી થઈ હતી. જેથી લોકલો જ્યાં હતી તે જ સ્ટેશને અટકી ગઈ હતી. લોકલો આગળ વધતી ન હોવાને કારણે ત્રસ્ત થયેલા પ્રવાસીઓ પાટા ઉપર ઉતરીને ચાલવા લાગ્યા હતા. અંદાજે ૩૦થી ૩૫ મિનિટ ટ્રેનો મોડી દોડતી હોવાને કારણે પ્રવાસીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ઘટના સ્થળે સેન્ટ્રલ રેલવેના અધિકારી, કર્મચારી, ટેક્નિશિયનો સમસ્યાનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનું તેવું સેન્ટ્રલ રેલવે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું હતું.
આ ખામીની અસર દિવસભર વર્તાઈ હતી. દિવસ દરમિયાન સખ્યાબંધ ટ્રેનો કેન્સલ કરાઈ હતી. મોડી રાતે પણ અનેક ટ્રેનો તેના ટાઈમ કરતાં એક કલાક જેટલી મોડી દોડી રહી હતી.