દિવાળીમાં ટૂરીસ્ટ બસ અને કારની માગ 60 ટકાથી ઓછી
કોવિડકાળ બાદ કરતા છેલ્લા સાત વર્ષમાં પહેલી વાર
રેલવેએ દિવાળી નિમિત્તે પ્રવાસન સ્થળો માટે વિશેષ ટ્રેનો શરૃ કરી હોવાથી માગમાં ઘટાડો થયાનું અનુમાન
મુંબઈ : આ વર્ષે દિવાળી દરમ્યાન ટૂરીસ્ટ બસો અને કમર્શિયલ કારોની માગમાં અનપેક્ષિત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સાત વર્ષમાં પહેલી જ વાર ટૂરીસ્ટ બસો અને કમર્શિયલ કારનું બૂકીંગ ૬૦ ટકાથી ઓછું થયું છે. સામાન્યપણે આ સમયે ૯૦થી ૯૫ ટકા કાર અને બસના બૂકીંગ થતા હોય છે. બસ અને કાર સંચાલકોના મતે રેલવેએ તહેવાર નિમિત્તે વિશેષ ટ્રેનો શરૃ કરી હોવાથી બસ અને કમર્શિયલ કારની માગમાં ઘટાડો થયો હોઈ શકે.
એક લાખથી વધુ કમર્શિયલ વાહનો ધરાવતા મુંબઈ શહેરમાં આ દિવાળીમાં માત્ર ૨૫થી ૩૦ ટકાનું જ બૂકીંગ થયું હતું જ્યારે લગભગ પંદર હજાર ઈન્ટરસિટી ટૂરીસ્ટ બસોમાંથી ૬૦થી ૬૫ ટકા બૂક થઈ હતી. બસ ઓપરેટરોએ જણાવ્યું કે કોવિડ મહામારીને બાદ કરતા છેલ્લાં પાંચથી સાત વર્ષ દરમ્યાન પહેલી જ વાર આટલું ઓછું બૂકીંગ થયું છે.
ગયા વર્ષે ૯૫થી ૯૮ ટકા ઈન્ટરસિટી બસનું બૂકીંગ થયું હતું જ્યારે કમર્શિયલ કારનું સો ટકા બૂકીંગ થયું હતું. બસ માલિક સંગઠને દિવાળી દરમ્યાન નબળા બૂકીંગને કારણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમના મતે પ્રવાસીઓ માટે મર્યાદિત સ્થળો હોવાથી આટલું નબળું બૂકીંગ થયું હતું. આ વર્ષે સ્થાનિકોમાં ગોવા, મહાબળેશ્વર, પુણે, શિરડી, કોલ્હાપુર અને બેંગલુરુનું વધુ આકર્ષણ રહ્યું હતું.
દિવાળી પછી પ્રવાસ યોજનામાં ઉછાળો આવવાની અપેક્ષા રાખતા સંચાલકોને માગ વધવાની આશા છે. ઈન્ટરસિટી બસ સંચાલકોએ એવી સંભાવના વ્યક્ત કરી કે સમૃદ્ધિ માર્ગ જેવા રસ્તા બનવાથી ખાનગી કાર માલિકોએ આ વર્ષે પોતાની કારનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોઈ શકે. ઉપરાંત રેલવેએ પણ કેટલાક પ્રવાસન સ્થળો માટે ૪૨૫ વિશેષ ટ્રેનો શરૃ કરી હોવાથી બસ અને કારની માગમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.