35 દિવસથી લાપતાં 12 વર્ષના બાળકનું ધડ અને માથું અલગ અલગ મળ્યાં
હત્યાના શકમંદને ટોળાંએ પકડયો, પોલીસે મોઢું ધોઈ આવવાનું કહ્યા બાદ ફરાર
પડોશમાં ભાડે રહેતા યુવકે હત્યા કરી હોવાની શક્યતાઃ તેને ભાગી જવા દેનાર પોલીસ અધિકારી પર પગલાંની માંગ
મુંબઇ : વડાલાના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને ૩૫ દિવસ પહેલા ગુમ થયેલા ૧૨ વર્ષના બાળકનું ધડ પોલીસને સોમવારે મળી આવ્યું હતું. અને ત્યારબાદ મંગળવારે પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી મૃત બાળકનું માથું પણ શોધી કાઢયું હતું.
મૃતક સંદીપ યાદવ (૧૨) છેલ્લે તેના પાડોશી વિપુલ શિકારી સાથે જોવા મળ્યો હતો. વિપુલે જ બાળકનું અપહરણ કર્યું છે તેવી શંકાથી ટોળાએ વિપુલની મારપીટ કરી હતી અને તેને વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા જો કે વિપુલના કપાળમાંથી લોહી નીકળતું હોવાથી પોલીસે તેને મોઢું ધોઇ આવવા જણાવ્યું હતું. આ તકનો લાભ લઇ તે પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટયો હતો. હવે પોલીસ તેની વ્યાપક શોધખોળ કરી રહી છે અને ટુંકમાં પકડાઇ જશે તેવી આશા પોલીસને છે. જો કે શકમંદને પોલીસ સાથે મોકલ્યા વગર મોઢું ધોવા જવા દેનાર પોલીસ અધિકારી પર કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે.
આ ચોંકાવનારા કેસની વિગત મુજબ વડાલાના શાંતિનગર વિસ્તારમાં સંદીપ યાદવ (૧૨) તેના માતા-પિતા સાથે રહેતો હતો. લગ્નના ઘણા વર્ષ બાદ દંપતિના ઘરે સંદીપનો જન્મ થયો હતો. ૨૮ જાન્યુઆરીના સાંજે પાડોશમાં ભાડે રહેતો. વિપુલ શિકારી તેને ખાવા માટે બહાર લઇ ગયો હતો. પ્રથમ તે સંદીપને શિવડી ફાટક અને ત્યાંથી ટેક્સીમાં ફ્રી-વેની આસપાસ લઇ ગયો જ્યાંથી સંદીપ ગુમ થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના આસપાસના વિવિધ સીસીટીવીમાં સ્પષ્ટ જીલાઇ ગઇ છે.
સંદીપને સાથે લઇ ગયેલ વિપુલ રાત્રે સવા બાર વાગ્યે પાછો આવ્યો ત્યારે સંદીપને શોધતા પાડોશીઓએ તેને પકડી તેની પૂછપરછ કરતા સંદીપ વિશે કોઇ જાણ કારી ન હોવાનું તેણે કહ્યું હતું. તેથી ભડકેલા લોકોએ તેને મારમારી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.આ સમયે વિપુલના કપાળમાંથી લોહી નીકળતું હોવાથી ફરજ પરના એક પીએસઆઇએ તેને મોઢું ધોઇ આવવા જણાવ્યું હતું. તે મોઢું ધોવા ગયો હતો અને ત્યાંથી જ બારોબાર ફરાર થઇ ગયો હતો. જો કે હવે સંદીપ યાદવનો મૃતદેહ મળી આવતા બેદરકારી દર્શાવનાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આરોપીને પકડી પાડવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આરોપીએ શા માટે સંદીપની હત્યા કરી તે જાણી શકાયું નથી.