'ગડકરીને હરાવવા ભાજપના કદાવર નેતાઓએ મરણિયા પ્રયાસો કર્યા..' કોણે કર્યો આ મોટો દાવો?
Sanjay Raut Big Claim | લોકસભાની ચૂંટણીમાં નાગપૂરની સીટ પરથી ચૂંટણી લડતા ભાજપના વરિષ્ઠ નેતા નીતીન ગડકરીને હરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ બનતા બધા જ પ્રયાસ કરી છૂટયા હતા એવો દાવો શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે કર્યો હતો. રાઉતના આ દાવાને ભારતીય જનતા પક્ષે ફગાવી દીધો હતો, એટલું જ નહીં કોંગ્રેસના નાગપૂરના ઉમેદવારે પણ રાઉત શેના આધારે ગડકરી જીતશે તેમ કહે છે, તેઓ શું જ્યોતિષી છે એમ કહી રાઉતના દાવાને વખોડી કાઢ્યો હતો.
શિવસેના (ઉદ્ધવ)ના મુખપત્ર 'સામના'ની કોલમમાં સાંસદ સંજય રાઉતે લખ્યું હતું કે નાગપૂર બેઠક પર નીતીન ગડકરીને હરાવવાનું શક્ય નથી એવું લાગતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગડકરીના ચૂંટણી પ્રચારમાં અનિચ્છાએ જોડાયા હતા. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું મુખ્યાલય નાગપૂરમાં જ આવેલું છે. આરએસએસના કાર્યકરોએ જ કહ્યું હતું કે ગડકરીને પરાજિત કરવા માટે ફડણવીસે વિપક્ષી ઉમેદવારને મદદ કરી હતી.
બેફામ આરોપબાજી કરવા માટે પંકાયેલા સંજય રાઉતે જણાવ્યું હતું કે એનસીપી (અજિત પવાર)ના ઉમેદવારો જ્યાં જ્યાં ઊભા છે એમને હરાવવા માટે દેવેન્દ્ર ફડણવીસે સંબંધિત દરેક મતદાર સંઘમાં ૨૫થી ૩૦ કરોડ રૂપિયાની લ્હાણી કરી હતી.
રાઉતે યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ચોથી જૂને પરિણામ જાહેર થયા બાદ ફરીથી મોદી-શાહ સરકાર સત્તા પર આવશે તો યોગી આદિત્યનાથને દૂર ખસેડી ઘરે બેસાડી દેશે.
મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત બનાવકુળેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંજય રાઉતનું ભેજું ફરી ગયું છે. આ પાગલપનના લક્ષણ છે. ભાજપ કોઈ પક્ષ નથી, પરિવાર છે. જે રાજકારણીઓ આખી જિંદગી જોડ-તોડની રાજનીતિ જ રમ્યા હોય તેમને નહીં સમજાય કે પારિવારિક સંબંધોમાં મૂળ કેટલા ઊંડા હોય છે. ગડકરી, યોગીજી અને ફડણવીસ આ જ પરિવારના સભ્યો છે. અમે સૌ પહેલાં દેશ પછી પક્ષ અને છેવટે અમે સ્વયં એ જ ઉચ્ચ સિદ્ધાંતને વરેલા છીએ. જ્યારે સંજય રાઉત માટે પહેલા શરદ પવારનું હિત પછી ઉદ્ધવ ઠાકરે અને સિદ્ધાંતની બાબત તો સાવ છેલ્લે આવે છે.
બાવનકુળેએ શિવસેના (યુબીટી)ના આ નેતાને પડકાર ફેંક્યો હતો કે રાઉતમાં હિમ્મત હોય તો કોલમમાં લખે કે જ્યારે અખંડિત શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવી સત્તા મેળવી ત્યારે પોતે ચીફ મિનિસ્ટર પદ મેળવવા કેવા પ્રયાસ કરેલા?
નાગ પુરની કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેએ સંજય રાઉતના મંતવ્યને વખોડી કાઢ્યું હતું. ઠાકરેએ રિએક્શન આપતા કહ્યું હતું કે સંજય રાઉતે ભૂતકાળમાં પણ નીતીન ગડકીરીની તારીફના પુલ બાંધ્યા હતા. આજની કોલમમાં રાઉતે લખ્યું છે કે ભાજપના ગડકરી ચૂંટણી જીતી દશે એટલે કમને ફડણવીસ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. રાઉતને કેમ ખબર પડી કે ગડકરી ચૂંટણી જીતવાના છે? શું રાઉત જ્યોતિષ છે? તેઓ મહાવિકાસ આઘાડી ગઠબંધનના મહત્ત્વના નેતા છે, એટલે તેમણે ગડકરી તરફનો પ્રેમ કોરાણે મૂકી દેવો જોઈએ. આ રીતે ખુલ્લેઆમ ગડકરીની તરફેણમાં લખીને સંજય રાઉતે મહાવિકાસ આઘાડીને ભારોભાર નુકસાન પહોંચાડયું છે. આ રીતે લખાણ લખીને ગઠબંધન-ધર્મનું પાલન નથી કર્યું. તેમણે તો એમવીએમના કેન્ડિડેટને ટેકો આપવો જોઈએ. ભાજપ સાથે રાઉતને ગમે તે બાબતે અણબનાવ હોય, છતાં તેમણે એમ ન જ લખવું જોઈએ કે ગડકરીને હરાવવા ભાજપના નેતાઓએ એમવીએના ઉમેદવારને મદદ કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શેષપૂર્વક જણાવ્યું હતું કે રાઉતે આ આક્ષેપ કરવામાં આટલી વાર કેમ લગાડી? એને ખબર નથી કે અમે સૌ એમડીએના ઘટકપક્ષો એકમેક સાથે અતૂટ બંધનથી જોડાયેલા છીએ.
મુખ્ય પ્રધાને ઉદ્ધવ સેનાનું નિશાન સાધતા કહ્યું હતું કે હું અત્યારે મુંબઈમાં ચાલી રહેલી નાળા સફાઈ ઝુંબેશમાં બીઝી છું. અત્યાર સુધી મુંબઈમાં રોડ રિપેર અને નાળ સફાઈના નામે જેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો છે અને ટોપલા ભરીને રૂપિયા ઉસેડી ગયા છે એ બધા અમને પાઠ ભણાવવાની કોશિષ ન કરે. મારી પાસે રજ રજની માહિતી છે કે અખંડિત શિવસેનાની બીએમસીમાં સત્તા હતી જ્યારે રિપેરકામ અને સફાઈને નામે કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.