ટમેટાના ભાવ 80-90 રુપિયે કિલોથી ગગડીને 20ના કિલો થયા
શિયાળો પૂરો થયા બાદ ટમેટામાં રાહત
રાજ્યમાં ભરપૂર પાક થયો , ઝડપથી બગડી જતા હોવાથી વેપારીઓ સસ્તામાં વેચવા લાગ્યા
મુંબઇ - મુંબઇમાં ગયા મહિને ૮૦થી ૯૦ રૃપિયે કિલો વેંચાતા ટમેટાના ભાવ ઝડપથી ગગડવા માંડતા હવે ૨૦ રૃપિયે કિલોના ભાવે વેંચાવા માંડયા છે.
રાજ્યમાં ટમેટાનો પાક ભરપૂર ઉતર્યો હોવાથી એ.પી.એમ.સી. માર્કેટોમાં ટમેટાની મોટા પ્રમાણમાં આવક થવા માંડી છે. ટમેટા જલ્દી બગડી જતા હોવાથી વેપારીઓ જે ભાવ મળે એ ભાવે વેંચી નાખે છે. કારણ કે જો સડી જાય તો ફેંકી દેવા પડે છે.
સુપ અને સોસ બનાવવામાં ટમેટાનો ઉપયોગ થાય છે. ઉપરાંત પાવ-ભાજીમાં તેમજ શાકમાં ને દાળમાં તેનો છુટથી ઉપયોગ થાય છે. ગયા મહિને ટમેટાની કિંમત ૮૦થી ૯૦ની આસપાસ પહોંચી ગઇ હતી ત્યારે ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાઇ ગયું હતું. જો કે ભાવ નીચે ઉતરતા લોકોએ રાહત અનુભવી છે.