મુંબઈ મહાપાલિકાનું આજે દેશનાં 8 રાજ્યો કરતાં પણ મોટું બજેટ
બીએમસી પાસે 86000 કરોડની ફિક્સ ડિપોઝિટ છે
55000 કરોડનું બજેટઃ જોકે, 2 વર્ષથી ચૂંટાયેલી પાંખના અભાવે રાજ્ય સરકાર પાસે બધો કારભાર
મુંબઈ : મુંબઈ મહાપાલિકાનું બજેટ આવતીકાલે રજૂ થવાનું છે. દેશનાં આઠ રાજ્યો કરતાં પણ વધારે મોટું બજેટ સ્થાયી સમિતિ વિના જ કમિશનર રજૂ કરશે કારણ કે છેલ્લાં બે વર્ષથી મહાપાલિકામાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ જ નથી. આશરે ૫૫ હજાર કરોડના બજેટમાં કોઈ નવો કરદર વધારો નહીં સૂચવાય તેવી સંભાવના છે.
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, સિક્કીમ અને ગોવા રાજ્ય કરતાં પણ મોટું છે. ૮૬ હજાર કરોડની ફિક્સ ડિપોઝિટ ધરાવતી મુંબઈ મહાપાલિકાની ગણના એશિયાની સૌથી શ્રીમંત સુધરાઈ સંસ્થા તરીકે થાય છે.
પાલિકાનું વર્ષ ૨૦૨૩- ૨૪માં બજેટ બાવન હજાર કરોડ રૃપિયાથી વધુ હતું. આવતીકાલે શુક્રવારે રજૂ થનારું પાલિકાનું બજેટ ૫૫ હજાર કરોડ રૃપિયાથી વધુ હોવાની શક્યતા છે. આટલું મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકામાં સત્તાની ચાવી મેળવવા તમામ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણી ચાલતી હોય છે.
મહાપાલિકામાં છેલ્લા અઢી દાયકા કરતાં વધારે સમયથી શિવસેના તથા ભાજપની યુતિએ શાસન ભોગવ્યું છે. જોકે, બે વર્ષ પહેલાં ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂરી થઈ પછી અનામત મુદ્દે ચૂંટણી અટકી છે. તેથી ગત માર્ચ ૨૦૨૨થી વહીવટદારનું શાસન છે. ભાજપ એ શિવસેનાની યુતિ તૂટી ચુકી છે અને શિવસેનામાં પણ ભાગલા પડી ગયા છે. હાલ શિંદેની સેનાના સભ્યો તથા ભાજપ વહીવટદાર મારફતે પાછલાં બારણેથી સત્તા ભોગવી રહ્ય છે.