ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણના આપઘાત કેસમાં પીઆઈએલનો પિતા દ્વારા વિરોધ
આ કેસમાં પ્રધાન સંજય રાઠોડનું નામ ગાજ્યું હતું
ભાજપના મહિલા નેતાની અરજી સંદર્ભમાં પિતાએ મને કોઈ સામે ફરિયાદ નથી તેવું બોમ્બે હાઇકોર્ટમાં કહ્યું
મુંબઈ : વર્ષ ૨૦૨૧માં પૂણેમાં કથિત રીતે આપઘાત કરીને જાન ગુમાવનારી ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણના પિતાએ બોમ્બે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે તેમને કોઈ સામે ફરિયાદ નથી અને કેસમાં વધુ તપાસ કરાવવાની પીટીશનનો તેમણે વિરોધ કર્યો હતો. પૂજાના પિતા લહૂ ચંદુ ચવ્હાણે બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે તેમને આ કેસમાં કોઈ સામે ફરિયાદ નથી.
ફેબુ્રઆરી ૨૦૨૧માં પૂજા ચવ્હાણ બાલ્કનીમાંથી પડી ગઈ હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ભાજપના નેતા મિત્રા વાઘે ૨૦૨૧માં હાઇકોર્ટમાં પીઆઇએલ (પબ્લિક ઇન્ટેરેસ્ટ લિટિગેશન - જાહેર હિતની અરજી) દાખલ કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના હાલના પ્રધાન સંજય રાઠોડ સાથે કેસ સંકળાયેલો છે તેવો આક્ષેપ ચિત્રા વાઘે કર્યો હતો. પૂજા ચવ્હાણના મૃત્યુની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માગણી વાઘે કરી હતી. વાઘના એડવોકેટ રાઠોડ સામે દુષ્પ્રેરણાનો કેસ કરવાની કોર્ટને વિનંતી કરી હતી.
રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ બીરેન્દ્ર સરાફ અને પુણે પોલીસના એડવોકેટ્ હિતેન વેણેગાવકરે વાઘની પીટીશનનો વિરોધ કર્યો હતો. એફઆઇઆઇરની નોંધ કરવા નિર્દેશ આપવાની વિનંતી કરતી સંખ્યાબંધ અરજીઓ મેજિસ્ટ્રેટની કોર્ટે ફગાવી દીધી હતી, તેવું તેમણે કહ્યું હતું.
પૂજાના પિતા વતી હાજર રહેલા એડવોકેટે ચવ્હાણને કોઈ ફરિયાદ નથી. ત્યારે પીટીશન ફાઇલ કરવા પાછળ અરજદાર (ચિત્રા વાઘ)નો કેસમાં સંબંધ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. એડવોકેટે કહ્યું કે 'પિતાને કે તેમની ચારમાંથી કોઈ પણ પુત્રીને પોલીસ સામે કોઈ ફરિયાદ નથી.
બેન્ચે અરજદારના એડવોકેટને પૂછ્યું હતું કે 'ગુના માટે એફઆઇઆર નોંધાવવા કોર્ટમાં રજૂઆત કરવાનું તમારે ભાગે કેવી રીતે આવી શકે?
જ્યારે પિતા કહે છે કે કોઈ ફરિયાદ નથી, તેનો અર્થ એવો નથી કે પીટીશનની સુનાવણી નહીં થવી જોઈએ, એમ કહી બેન્ચે વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી.
આ અગાઉની એક સુનાવણીમાં વાઘ વતી એક એડવોકેટે માગણી કરી હતી કે રાઠોડનો ઉલ્લેખ ધરાવતી પીટીશનનો કોર્ટે નિકાલ કરવો જોઈએ. વાઘના વકીલે જ્યારે કહ્યું હતું કે તેમને પીટીશન આગળ છુપાવવામાં રસ નથી ત્યારે બેન્ચે ટીકા કરી હતી. અને પીઆઇએલ દ્વારા રમાતી રાજકીય રમતની ટીકા કરી હતી તે પછી વાઘના વકીલે કહ્યું હતું કે વાઘ પીટીશન જાળવી રાખશે.