મહારાષ્ટ્રમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો હાર્યા, રાજ્યના મંત્રીનો પણ પરાજય
મહારાષ્ટ્રના કેન્દ્રીય મંત્રીઓનું ફિફ્ટી ફિફ્ટી પરફોર્મન્સ
પિયુષ ગોયલ, નીતિન ગડકરી જીત્યાઃ કેન્દ્રના રાજ્ય પ્રધાનો રાવસાહેબ દાનવે અને કપીલ પાટીલ, ભારતી પવારનો પરાજયઃ રાજ્યના વન મંત્રી હાર્યા
મુંબઇ : લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી ઊભા રહેલા કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના પ્રધાનોમાંથી મોટા ભાગના જીતી ગયા હતા, જ્યારે અમુકે હારનો સામનો કરવો પડયો હતો.
ભૂતકાળમાં વડા પ્રધાન પદ માટે જેમનું નામ આગળ કરવામાં આવતું હતું, એવામાં વિદર્ભના વજનદાર નેતા અને કેન્દ્રના પ્રધાન નીતીન ગડકરીએ નાગપુર સીટ પરથી ઝળહળતો વિજય મેળવ્યો હતો.
ભાજપને મુંબઈમાં એકમાત્ર ઉત્તર-મુંબઈની બેઠક મળી. એ બેઠક જીતનાર કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલની જીત લગભગ નિશ્ચિત ગણાતી હતી. ભારતીય જનતા પક્ષને સમર્પિત ગોયલ પરિવારના આ નબીરાના પિતા વેદપ્રકાશ ગોયલ કેન્દ્રમાં શિપિંગ મિનિસ્ટર હતા અને તેમના માતા ચંદ્રકાંતા ગોયલે ભાજપના વિધાનસભ્ય તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી.
બીજી તરફ ચૂંટણી લડેલા કેન્દ્રના ત્રણ પ્રધાનો રાવસાહેબ દાનવે (જાલના), કપીલ પાટીલ (ભિવંડી) અને ડો. ભારતી પવાર (ટિંડોરી) હારી ગયા હતા. આવી જ રીતે મહારાષ્ટ્રના માજી પ્રધાન સુધીર મુનગંટીવારને કોંગ્રેસના ધાનોરકર પ્રતિભા સુરેશ નામના મહિલા ઉમેદવારે પરાજિત કર્યા હતા.
ભારતીય જનતા પક્ષના એક જમાનાના ટોચના નેતા ગોપીનાથ મુંડેના પુત્રી અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ બીડ બેઠક પર કોંગ્રેસના બજરંગ સોનાવણેને હરાવી વિજયી મેળવ્યો હતો. નજીકના જ ભૂતકાળમાં પંકજા મુંડેને મહારાષ્ટ્રના રાજકારણોથી સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા હતા. આને કારણે તેઓ ખૂબ નારાજ થયા હતા. પંકજા કદાચ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાશે એવી પણ અટકાળો થતી હતી. જોકે તેમની નારાજી દૂર કરવા બીડમાંતી ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમણે જીતીને દેખાડી દીધું હતું કે મરાઠવાડામાં હજી પણ મુંડે ખાનદાનનો પ્રભાવ છે.
બારામતીમાં પારિવારિક લડાઈમાં નણંદનો ભાભી સામે વિજય
મહારાષ્ટ્રમાં સૌની મીટ બારામતી બેઠક પર મંડાઈ હતી, કારણ કે આ બેઠક ઉપર શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂળે અને તેમનાં પિત્રાઈ ભાઈ અજિત પવારના પત્ની સુનેત્રા ભાભી વચ્ચે સીધો મુકાબલો હતો. પરંતુ આ પરિણામે સાબિત કરી દીધું કે મહારાષ્ટ્રમાં રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારનો હાથ હંમેશા ઉપર જ રહ્યો છે.
શરદ પવારના વડપણ હેઠળના એનસીપીમાં તેમના જ ભત્રીજા અજિત પવારે ભંગાણ પાડયું અને સત્તાધારી મહાયુતિમાં પોતાના સમર્થકો સાથે જોડાયા હતા. બારાતમીના જ નહીં, પણ સમગ્ર મહારાષ્ટ્રના લોકોના મનમાં આજે પણ શરદ પવાર આદરભર્યું સ્થાન ધરાવે છે. એટલે અજિત પવારે પક્ષને તોડયો એટલે લોકોના મનમાં તેની વિરુદ્ધ નારાજી પણ હતી. બીજું જુદા જુદા કૌભાંડોમાં અજિત પવારનું નામ સંડોવાયેલું હોવાથી પણ તેની પ્રત્યે કોઈને માન કે સહાનુભૂતિ જેવું છે જ નહીં. ઉપરાંત તેમના પત્ની સુનેત્રા પવારને રાજકારણનો કોઈ જ અનુભવ ન હોવાથી લોકોએ નવાનિશાળિયાને બદલે અનુભવી અને બારામતી મતદારસંઘમાં અનેક વિકાસકાર્યો કરી ચૂકેલા સુપ્રિયા સૂળેને જ લોકોએ જીતાડયાં હતાં.
માજી મંત્રી વર્ષા ગાયકવાડે ઉજ્જવલ નિકમને હરાવ્યા
ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રધાન વર્ષા ગાયકવાડે ભાજપ તરફથી મેદાનમાં ઉતારવામાં આવેલા ખ્યાતનામ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને હરાવ્યા હતા.
શિક્ષણ પ્રધાન તરીકે વર્ષા ગાયકવાડે બજાવેલી કામગીરી તેમ જ તેમના પિતા અને કટ્ટર કોંગ્રેસી નેતા તેમ જ માજી મંત્રી એકનાથ ગાયકવાડની કામગીરીને લીધે વર્ષા ગાયકવાડ મતદારોમાં જાણીતાં હતાં. ભારતીય જનતા પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ સામેલ કરવામાં આવેલા જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ મતદારો પર ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. પાકિસ્તાની ટેરરિસ્ટ અજમલ કસાબ સહિત લગભગ ૪૦થી વધુ આતંકવાદીઓ અને અપરાધીઓને ફાંસીની સજા અપાવી ચૂકેલા વકીલબાબુ રાજકારણમાં સાવ નવાનિશાળિયા હોવાથી અસર જમાવી નહોતા શક્યા.