નવી મુંબઈમાં 76 લાખના ડ્રગ્સ સાથે ત્રણ નાઈજિરિયન શખ્સોની ધરપકડ
- બાતમીના આધારે એએનસીની કામગીરી
- એએનસીએ આ કેસમાં 101.52 ગ્રામ મેફેડ્રોન અને 201.2 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું
મુંબઇ : નવી મુંબઈમાં શનિવાર રાત્રે એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)એ ત્રણ નાઈજિરિયન શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે રુ. ૭૫.૪ લાખ કિંમતનું મેફેડ્રોન અને કોકોન જપ્ત કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આ ત્રણેય નાઈજિરિયન શખ્સો શનિવાર રાત્રે કોપર ખૈરાણેના એક મંદિર નજીકથી પકડવામાં આવ્યા હતા. જેમાં ૪૨ સિલ્વાસા ન્નાચોર, ૪૦ વર્ષીય એજિક ડોનાટ્સ ઓગુગુઆ અને ૪૨ વર્ષીય સન્ડે ઈઝેઓબીનો સમાવેશ થાય છે. આ ત્રણેય કોપર ખૈરણેના રહેવાસી હતા.
બાતમીના આધારે કામગીરી કરતા એએનસીની ટીમે શનિવારે રાત્રે છાપો મારી આ ત્રણેય શકમંદોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ કરતા તેમની પાસેથી રુ. ૭૫.૪ લાખની કિંમતનું ૧૦૧.૫૨ ગ્રામ મેફેડ્રોન અને ૨૦૧.૨ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બાદ એએનસીએ ત્રણેય આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, આ રેકેટમાં અન્ય કેટલાની સંડોવણી છે. તેમજ આ કોને આપવાના હતા જેવા પ્રશ્નોના જવાબો શોધી રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.