ઉત્તાનના સમુદ્ર કાંઠે નવી-આધુનિક ત્રણ દિવાદાંડી તૈયાર થશે
માછીમારોને સચોટ દિશા સૂચન મળશેઃ સર્વેક્ષણની કામગીરી પૂરી થઇ ગઇ
મુંબઇ : મુંબઇ નજીક આવેલા ઉત્તાન અને તેની આજુબાજુની સમુદ્ર પટ્ટી પર નવી ત્રણ દિવાદાંડી બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. નવી ત્રણ દિવાદાંડી તૈયાર થઇ જશે એટલે ઉત્તાન અને નજીકના દરિયા કાંઠા પર વસતા માછીમારોને ઘણી ઉપયોગી બની રહેશે.
આમ અરબી સમુદ્રમાં નવી ત્રણ દિવાદાંડી તૈયાર થશે.
અરબી સમુદ્રમાં નવી ત્રણ દિવાદાંડી બનાવવા ચેન્નાઇની અન્ના ઇન્સ્ટિટયુટના એન્જિનિયરોએ અને મરીન બોર્ડના અધિકારીઓએ ગયા સપ્તાહે સંયુક્ત રીતે સર્વેક્ષણ કર્યું હતું. સર્વેક્ષણની કામગીરી સર્યાચી વાટ, કાટલચ વાટ, વાશીચી વાટ એમ ત્રણ સ્થળોએ થઇ હતી. આ ત્રણેય સ્થળો પાલી પાતાણ બંદર, ચોક -વસઇ, ઉત્તાન -ભટ્ટે બંદરના જોડાણ સ્થળે આવેલાં છે.
હવે સર્વેક્ષણનો અહેવાલ થોડા સમયમાં મેરી ટાઇમ બોર્ડના અધિકારીઓને આપવામાં આવશે.
ઉત્તાન અને તેની નજીકનાં દરિયા કિનારાનાં સ્થળોએ નવી દિવાદાંડી બનાવવા માટે થોડા સમય પહેલાં આ વિસ્તારના માછીમારોએ માગણી કરી હતી. ઉત્તાન, પાલી, ચોક, વસઇ,નાઇગાંવ, ખોચીવાડા, અર્નાળા વગેરે ગામના માછીમારોની માગણીના અનુસંધાને આ મત વિસ્તારના સંસદસભ્ય રાજન વિચારેએ મેરી ટાઇમ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ તમામ ગામના માછીમારો દરિયામાં માછલી પકડવા જાય ત્યારે તેમની બોટ દરિયામાંના જોખમી વિસ્તારમાંથી ચોક્કસ કઇ દિશામાં લઇ જવી તે વિશે ભારે મુંઝવણ અનુભવે છે.
માછીમારોએ એવી રજૂઆત કરી હતી કે ઉત્તાન અને તેની નજીકના દરિયા કિનારે નવી ત્રણ દિવાદાંડી તૈયાર થાય તો સમુદ્રમાં માછીમારી દરમિયાન અમને સચોટ દિશા સૂચન મળી શકે. આ વિસ્તારના દરિયામાં અમુક જગ્યાએ ઉંડા ખડકો હોવાથી ક્યારેક અમારી હોડીઓ તે ખડકો સાથે ટકરાતી હોવાથી ગંભીર અકસ્માત સર્જાય છે.
હાલ વસઇની દરિયાઇ ખાડી નજીક એક માત્ર દિવાદાંડી છે ,જે ખુટાચા રાસ્તા એવા નામે ઓળખાય છે. જોકે હવે નવી ત્રણ દિવાદાંડી તૈયાર થશે તો તેનો લાભ ઉત્તાન, પાલી,ડોંગરી,ભટ્ટે બંદર, ચોક વગેરે ગામના માછીમારોને થશે.