પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા માલિક સહિત ત્રણનાં મોત
- સંભાજી નગરમાં ફુલંબરી વિસ્તારમાં મધ્યરાત્રીએ દુર્ઘટના
- આગ બુઝાવવાનો પ્રયાસ કરતા દુકાનમાં ગેસના કારણે પ્રચંડ વિસ્ફોટ થયોઃ બે ગંભીર રીતે ઘાયલ
મુંબઇ : છત્રપતિ સંભાજી નગરમાં ફુલુંબરી નજીક દરી ફાટા ખાતે પ્લાસ્ટિકની દુકાનમાં શનિવારે મધ્યરાત્રીએ ભીષણ આગ ફાટી નીકળતા દુકાન માલિક સહિત ત્રણના મોત થયા હતા. જ્યારે બે શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના શનિવારે મધ્યરાત્રીએ બની હતી. આ આગની ઘટનામાં પચ્ચીસ વર્ષીય નીતિન, ૩૦ વર્ષીય ગજાનન, પચ્ચીસ વર્ષીય રાજુનું મોત થયું હતું. તો શાહરુખ પટેલ અને અજય નાગરે બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, સંભાજીનગરના ફુલંબરીના દારી ફાટા વિસ્તારમાં રાજુ સ્ટીલ એન્ડ પ્લાસ્ટિક નામની દુકાનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. અહીં મધ્યરાત્રીએ ૧.૪૫ વાગ્યાની આસપાસ દુકાનમાં શોર્ટ સર્ટિક થતા આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગ ભીષણ બની હતી અને સંપુર્ણ દુકાનમાં ફેલાય ગઈ હતી.
જેના કારણે દુકાનની અંદર મોટા પ્રમાણમાં ધુમાડો અને ગેસ ફેલાયાં હતાં. આગની જાણ થતા જ દુકાનના માલિક સહિત અન્ય દુકાનોના માલિકો પણ ઘટનાસ્થળે હાજર થયા હતા અને આગ બુઝાવવા જતા દુકાનનું શટર ખોલ્યું હતું. આ સમયે દુકાનની અંદર રહેલા ગેસના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેથી દુકાન માલિક સહિત પાંચ શખ્સો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટનામાં દુકાનના માલિક સહિત ત્રણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરતા બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે વધુ આગ ન ફેલાય તે પહેલા આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી. જેમાં એક કલાકની જહેમત બાદ સંપુર્ણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવા છતાં ફાયર સેફ્ટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. તેથી આગ વિકારળ બની હતી. આ ઘટના બાદ ફરી એક વાર દુકાનમાં ફાયર સેફ્ટી અંગે પ્રશ્નો ઉભા થયા હતા.