નવી મુંબઇમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં ત્રણના મોત, બે જખમી
૧૩ બાળકો સહિત બાવન રહેવાસી સમયસર બહાર આવી જતા બચી ગયા
મુંબઇ: નવી મુંબઇના સીબીડી બેલાપુર વિસ્તારમાં ચાર માળની રહેણાંક ઇમારત આજે વહેલી સવારે તૂટી પડતા ત્રણ યુવક મોતને ભેટયા હતા. જ્યારે કાટમાળ નીચે દબાઇ જતા બે જણને ઇજા થઇ હતી. બીજી તરફ બિલ્ડીંગવાસી ૧૩ બાળકો સહિત બાવન લોકો સમય સૂચકતાથી બચી ગયા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ફાટર બ્રિગેડ, પાલિકા, પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. કાટમાળ નીચે અનેક વાહનો દબાઇ ગયા હતા.
નવી મુંબઇમાં સીબીડી બેલાપુર ખાતે શાહબાઝ ગામમાં આળેલી ચાર માળની બિલ્ડીંગમાં આજે વહેલી સવારે અંદાજે પોણા પાંચ વાગ્યટે રહેવાસીઓ સૂતા હતા ત્યારે બિલ્ડીંગમાં તિરાડ પડી હતી. ત્યારબાદ બાળક, મહિલા, પુરુષ, વૃદ્ધ સહિત અંદાજે બાવન રહેવાસી જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ બિલ્ડીંગ ધડાકા સાથે તૂટી પડી હતી. બિલ્ડીંગના કાટમાળ નીચે પાંચ જણ દબાઇ ગયા હતા.
નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે ૧૩ ફ્લેટ અને ત્રણ દુકાન ધરાવતી ચાર માળની બિલ્ડીંગ આજે વહેલી સવારે ધરાશયી થઇ હતી કાટમાળ નીચે ફસાયેલા એક પુરુષ અને એક મહિલાને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડ, પાલિકા કર્મચારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આજે બપોરે કાટમાળ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કલાકો પછી અન્ય બે જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, એમ પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું.
મૃતકોની ઓળખ મોહમ્મદ મિરાજ અલ્તાફ હુસૈન (ઉં.વ.૩૦), મિરાજ સૈફ અંસારી (ઉં.વ.૨૪), સફીક અહમદ રહેમત અલી અંસારી (ઉં.વ.૨૮) તરીકેથઇ છે. તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ આ ઇમારત ૧૦ વર્ષ જૂની હતી અને દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવશે. નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગીય ફાયર ઓફિસર પુરુષોત્તમ જાધવે કહ્યું હતું કે રહેવાસીઓએ બિલ્ડીંગમાં તિરાડો જોયા પછી તેના વિશે અધિકારીઓને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને બાવન રહેવાસીઓને બહાર કાઢયા હતા. ત્યારબાદ થોડા સમયમાં ઇમારત તૂટી પડી હતી.
કાટમાળ નીચેથી સવારે છ વાગ્યાની આસપાસ લાલ મોહમ્મદ (ઉં.વ.૨૨) અને રુખસાના (ઉં.વ.૨૧)ને બચાવી લેવામાં આવ્યા હતા. સત્તાવાળાઓને બાદમાં જાણવા મળ્યું કે એક વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી છે તો રેસ્ક્યુ ટીમે તેના મોબાઇળ પર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોલ લાગ્યો ન હતો. તેમને પાછળથી ખબર પડી કે તે યુવકના બે મિત્ર પણ તેની સાથે હતા, એમ અધિકારીએ કહ્યું હતું. ડોગ સ્કવોડે પણ રેસ્ક્યુ ટીમને મદદ કરી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નીતિ આયોગન ગવર્નિંગ કાઉન્સિલની બેઠક માટે દિલ્હીમાં હતા તેમણે નવી મુંબઇ મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે ઘાયલો અને અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે, એમ થાણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.
એનડીઆરએફના અધિકારીએ કહ્યું કે કોટમાળ નીચે અન્ય કોઇ વ્યક્તિ દબાયેલી છે કે કેમ એની શોધખોળ ચાલુ છે. કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.
- રિક્ષા ડ્રાઇવરને પિલરમાં તિરાડનો અવાદ આવતા રહેવાસીઓને સતર્ક કર્યા
બિલ્ડીંગના પાસે આજે વહેલી સવારે એક રિક્ષા ડ્રાઇવર આવ્યો હતો તેને બિલ્ડીંગના પિલરમાં તિરાડ પડવાનો અવાદ આવી રહ્યો હતો. તેને પરિસ્થિતિ ગંભીર લાગી હતી. તેણે રહેવાસીઓ સૂતા હતા. તેણે રહેવાસીને આ બાબતની જાણ કરી હતી. ફાયરબ્રિગેડને પણ બનાવની માહિતી આપવામાં આવી હતી. બિલ્ડીંગમાંથી ગણતરીની મિનિટમાં બાવન રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા. આથી અનેકના જીવ બચી ગયા હોવાનું કહેવાય છે.
દોષિ સામે સખત કાર્યવાહી કરો : દેવેન્દ્ર ફડણવીસ
તાકીદે રાહત અને મદદ પૂરી પાડવાનો આદેશ
મુંબઇ : નવી મુંબઇમાં એક ત્રણ માળ ધરાવતી ઇમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થતા સર્જાયેલી દુર્ઘટના મામલે દોષિત સામે કઠોર કાર્યવાહી કરવાનો નવી મુંબઇ મહાનગર પાલિકા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.
એક ટ્વીટ કરીને ફડણવીસે નવી મુંબઇમાં બેલાપુરમાં થયેલી ઇમારતના હોનારત બાબતે ઉપરોક્ત સૂચના આપી હતી.
આ બનાવ બનતા નવી મુંબઇ મહાનર પાલિકાના કમિશનર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. ઇમારતની બહાર કાઢેલા રહેવાસીઓને પાલિકાએ નિવારા કેન્દ્રમાં રહેવાની વ્યવસ્થા કરી છે. આ ઘટના બનતા દોષી સામે કઠોર કાર્યવાહી કરવાનો આદેશ નવી મુંબઇ મહાનગર પાલિકા કમિશનર તથા પોલીસ ક મિશનરને દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.
આ સિવાય રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ દુર્ઘટનામાં અસરગ્રસ્તોને તાકીદે રાહત અને મદદ આપવાની વ્યવસ્થા કરવાનો આદેશ સંબંધિતોને આપ્યો હતો. તેઓ દિલ્હી સ્થિત નીતિ આયોગની બેઠકમાં ગયા હોવાથી ત્યાં તેમમે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.