મહિલા કોન્સ્ટેબલની છેડતી કરનારા બે સગીર સહિત ત્રણ પકડાયા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
મહિલા કોન્સ્ટેબલની છેડતી કરનારા બે સગીર સહિત ત્રણ પકડાયા 1 - image


- મુંબઈમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી

- વિક્રોલીમાં એક સગીરને સ્થાનિક લોકોએ પકડયો હતો પણ અન્ય સગીરો ટોળે વળી છોડાવી ગયા

મુંબઇ : મુંબઈના પૂર્વીય પરાં વિક્રોલીમાં એક મહિલા કોન્સ્ટેબલનો જ વિનયભંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને ગંભીરતાથી  લઈ પોલીસે છ ટીમ બનાવી હતી. જેમણે સીસીટીવીના માધ્યમથી આરોપીઓની ઓળખ મેળવી બે સગીર સહિત ત્રણ જણને તાબામાં લીધા હતા.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર શુક્રવારે રાત્રે એક સગીરે મહિલા કોન્સ્ટેબલ સૂર્યાનગરમાં રહેતા સંબંધીને મળવા તેમના ઘરે ગઈ હતી ત્યારબાદ તેઓ ડિનર માટે બહાર નીકળ્યા ત્યારે એક સગીર દોડતો આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી તેનો વિનયભંગ કર્યો હતો.

આ સમયે ત્યાં હાજર અમુક પરિચિત અને અન્ય મહિલાઓએ પણ આ દ્રશ્ય જોયું હતું અને હસ્તક્ષેપ કર્યો હતો. આ સમય દરમિયાન અન્ય સગીરો ત્યાં આવી પહોંચ્યા હતા અને દરમિયાનગીરીને બહાને વિનયબંગ કરનાર સગીરને ત્યાંથી ભાગી છૂટવામાં મદદ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે.

આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાનો વિનયભંગ કરનાર એક સગીર આરોપીને સ્થાનિક નાગરિકોએ ઘેરીને પકડી પાડયો હતો. જોકે તે દરમિયાન બીજા અન્ય સગીરો ટોળાંમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને કથિત છેડતી કરનાર સગીરને મેથીપાક આપવાને બહાને લોકોથી દૂર લઈ ગયા હતા અને તેને ભગાડી મૂકવામાં મદદ કરી હતી. આ બાબતનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ બાબતે મહિલા કોન્સ્ટેબલે વિક્રોલી પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી પોલીસની છ ટીમ બનાવી હતી. આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં તણાવ  સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ વિક્રોલી પોલીસ સ્ટેશન બહાર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ લોકોએ આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી પાડવાનો પોલીસ સમક્ષ માગણી કરી હતી.


Google NewsGoogle News