સલમાનને ફરી ધમકી, બિશ્નોઈ સમાજના મંદિરે માફી માગે અથવા 5 કરોડ આપે
લોરેન્સ બિશ્નોઇના ભાઇના નામથી સલમાન ખાનને ધમકી
મુંબઇ ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૃમમાં મેસેજ કરનારો કર્ણાટકથી પકડાયો, બિશ્નોઈ ગેંગ સાથે ખરેખર સંબંધ છે કે નહિ તે અંગે તપાસ
મુંબઇ : બોલીવુડના વિવાદાસ્પદ અભિનેતા સલમાન ખાનને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇના નામથી ફરી રૃા. પાંચ કરોડની ખંડણીની માગણી સાથે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઇ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ કરનારા આરોપીએ સલમાનને બિશ્નોઇ સમુદાયના મંદિરમાં જઇ માફી માગવા કહ્યું હતું.
આ મામલામાં કર્ણાટકથી શંકાસ્પદ એક આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વરલી સ્થિત મુંબઇ ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૃમમાં ગઇકાલે રાતે મેસેજ મળ્યો હતો. એમાં સલમાન ખાનને કાળીયારના શિકાર માટે માફી માગવા માટે કહેવામાં આવ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો ભાઇ હોવાનો મેસેજ મોકલનાર દાવો કર્યો હતો. મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા બિશ્નોઇ સમુદાય મંદિરમાં જઇને માફી માગવી જોઇએ અથવા રૃા. પાંચ કરોડ ચૂકવવા જોઇએ. તે આમ નહિ કરે, તો અમે તેને મારી નાખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે. આ મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડયુટી ઓફિસરે એના વિશે ઉચ્ચ અધિકારીઓ અને વરલી પોલીસને જાણ કરી હતી.
પોલીસે ધમકી આપનારની માહિતી મેળવી હતી. તેમજ સલમાનની સુરક્ષા વધારવા જરૃરી પગલાભર્યા હતા. આ મેસેજ સાથે ગુજરાતથી સાબરમતી જેલમાં વિવિધ ગંભીર કેસમાં બંધ લોરેન્સ બિશ્નોઇનું કનેક્શન છે કે કેમ એની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ધમકી આપનાર વિક્રમને કર્ણાટકથી ઝડપી લીધો હતો.
અગાઉ ૧૪ એપ્રિલમાં બાંદરામાં સલમાન ખાનના બાંદરા સ્થિત નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોએ સ્વિકારી હતી. આ ગુનામાં લોરેન્સ અને અનમોલને આરોપી બનાવવામાં આવ્યા છે. ખાનને અગાઉ પણ પૈસાની માગણી સાથે ધમકીઓ મળી ચૂકી છે.
૨૯ ઓક્ટોબરના ટ્રાફિક પોલીસની વોટસએપ હેલ્પલાઇન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલી રૃા. બે કરોડની ખંડણી માટે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ૧૨ ઓક્ટોબરના બાંદરામાં અંધાધૂંધ ગોળીબાર કરી ત્રણ સૂટરે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કરી હતી. સોશિયલ મીડિયા પર મેસેજ કરી લોરેન્સ બિશ્નોઇ ગેંગે હત્યાની કબૂલાત કરી હતી. સલમાન ખાન સાથે નજીકના સંબંધ હોવાથી સિદ્દીકીની હત્યા કરાઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ગયા મહિને મુંબઇ ટ્રાફિક પોલીસના વોટસએપ હેલ્પલાઇન ડેસ્ક પર મેસેજ કરી સલમાન ખાન પાસે રૃા. પાંચ કરોડની ખંડણી માગનારા યુવકની જમશેદપુરથી ધરપકડ કરાઇ હતી. થોડા સમય અગાઉ નવી મુંબઇ પોલીસે બિશ્નોઇ ગેંગ દ્વારા ખાનને મારી નાખવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.