ચેમ્બુરના ધમકીબાજનો ફોનઃ પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલો થશે
પોલીસે તત્કાળ ભાળ મેળવી ધરપકડ કરી
માનસિક બીમાર વ્યક્તિએ મુંબઈ પોલીસને અનેક વખત ધમકીના ફોન કરી દોડાવી છ
મુંબઇ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન પર આતંકવાદી હુમલાનો ધમકીભર્યો ફોન કરનારા એક વ્યક્તિને ચેમ્બુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહેવાય છે. મોદી વિદેશની સત્તાવાર મુલાકાતે જઇ રહ્યા હતા ત્યારે પોલીસ કન્ટ્રોલ રૃમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ત્યારબાદ તમામ સિક્યુરિટી એજન્સી સતર્ક બની ગઇ હતી.
પીએમ નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરા અંગે મંગળવારે પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન આવ્યો હતો. મોદી અમેરિકા જઇ રહ્યા છે તે વિમાનમાં આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. ફોન કરનારે વધુમાં કહ્યુંકે આ એ જ આતંકવાદી છે જેણે છ વિમાનોમાં બોમ્બ વિસ્ફોટ કર્યા છે. આ આરોપીએ અગાઉ પણ મુંબઇ પોલીસને અનેક વખત ધમકીભર્યા કોલ કર્યા હોવાનું કહેવાય છે.
મોદી માટેની ધમકીની મુંબઇ પોલીસે ગંભીર નોંધ લીધી હતી. મુંબઇ પોલીસે તાત્કાલિક અન્ય સુરક્ષા એજન્સીઓને બનાવની જાણ કરી હતી. આ મામલાની તપાસ હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો અને ચેમ્બુરમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનિય છે કે અગાઉ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવામાં આવી હતી. જો કે ફોન પર મળેલી ધમકી અફવા પુરવાર થઇ હતી.