Get The App

5 કરોડની ખંડણીની માંગ સાથે સલમાનને હત્યાની ધમકી

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
5 કરોડની ખંડણીની માંગ સાથે સલમાનને હત્યાની ધમકી 1 - image


મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર બિશ્નોઈ ગેંગના નામે મેસેજ

સલમાન 5 કરોડ આપી બિશ્નોઈ ગેંગ સાથે ઝઘડો પતાવે નહિ તો સિદ્દિકી કરતાં પણ ભૂંડી હાલત કરશું તેવી ચિમકી

મુંબઇ :  બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એક વખત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામનો ઉલ્લેખ કરી ધમકી આપવામાં આવી છે. મુંબઇ ટ્રાફિક પોલીસના વોટસએપ નંબર મેસેજ કરી રૃા. પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન બિશ્નોઇ ગેંગના નિશાના પર છે. અગાઉ તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.આ પહેલા પણ સલમાનને અનેક વખત ધમકી મળી છે. આથી પોલીસ સતર્ક બની ગઇ છે.

વરલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતાની ધમકી અને ખંડણીની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૃમને તેની વોટસએપ હેલ્પલાઇન પર મેસેજ મળ્યો હતો. ટ્રાફિક પોલીસ કર્મચારીની ફરિયાદને આધારે ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. 

ધમકીભર્યો  મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઇ ગેંગની નજીક હોવાનું જણાવ્યું હતું. આ સિવાય મેસેજ દ્વારા લોરેન્સ બિશ્નોઇ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી રૃા. પાંચ કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. 

આરોપીએ દાવો કર્યો હતો કે આ ધમકીને હળવાશથી ન લેતા. જો સલમાન ખાનને જીવતો રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઇ સાથેનો ઝઘડો ખતમ કરવા માંગતો હોય તો તેણે રૃા. પાંચ કરોડ ચૂકવવા પડશે. પૈસા  નહીં આપે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ  દ્વારા અગાઉ સલમાન ખાનને ધમકી ઉપરાંત બાંદરામાં તેના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કર્યો હતો. તાજેતરમાં સલમાન ખાનના મિત્ર અને એનસીપી (અજીત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઇ હતી. સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા લોરેન્સ બિશ્નોઇ ગેંગે પોતે હત્યા કરાવી હોવાનું કબૂલ કર્યું હતું.  તે મેસેજમાં પણ સલમાન ખાનનો ઉલ્લેખ કરાયો હતો. આથી સલમાનની સુરક્ષાને લઇને પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ છે.



Google NewsGoogle News