Get The App

દાદર-કલ્યાણ સ્ટેશન બોમ્બથી ઉડાડવાની આપી ધમકી

Updated: Mar 30th, 2024


Google News
Google News
દાદર-કલ્યાણ સ્ટેશન બોમ્બથી ઉડાડવાની આપી ધમકી 1 - image


બે કલાકમાં જ આરોપી ઝડપાયો

સાથ છોડી ગયેલી પત્નીને પાઠ ભણાવવા પતિનું કારસ્તાન

મુંબઇ: શુક્રવારે રાત્રે દાદર અને કલ્યાણ સ્ટેશનને ઉડાવવાની ધમકીભર્યો કોલ કરનારો શખસ છોડી ગયેલી પત્નીને સબક શિખવાડવા માંગતો હતો. આ કેસમાં નાલાસોપારાની પેલ્હાર પોલીસે બે કલાકમાં જ આરોપીને શોધીને ધરપકડ કરી હતી.

શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ મીરા-ભાયંદર વસઇ વિરાર પોલીસ કમિશ્નરેટના કંટ્રોલ રૂમમાં એક શખસે ફોન કરીને કલ્યાણ તથા દાદર રેલવે સ્ટેશનને ઉડાવવાની ધમકી આપી હતી. જેને લીધે પોલીસની ટીમ સાવચેત થઇ ગઇ હતી.

પોલીસોને બન્ને સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું પણ તેમને કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. સાથે જ ૧૧૨ હેલ્પલાઇન પર આવેલા ફોનની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફોન નાલાસોપારાના વિસ્તારમાંથી આવ્યો હતો. તેથી પેલ્હાર પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીનો ફોન બંધ હતો. અને ફોન નંબરનું સરનામું ઓમ શિવસાઇ ચાલ હતું. પોલીસ આ ચાલમાં મધરાતે આરોપીને શોધવા ગઇ હતી. દરમ્યાન સીસીટીવીમાં એક શંકાસ્પદ માણસ પોલીસને દેખાયો હતો. તેથી આરોપીને શોધવાનું પોલીસનું કામ સરળ બન્યું  અને આરોપી બિલાલપાડામાંથી પકડાયો હતો.

મજૂરીનું કામ કરતા ૩૫ વર્ષના આરોપી વિકાસ શુકલા અને તેની પત્ની વચ્ચે તકરાર થવાથી દોઢ વર્ષ પહેલા પત્ની તેને છોડીને જતી રહી હતી. હાલમાં પત્ની કલ્યાણમાં રહે છે. અને રોજ કામ નિમિત્તે કલ્યાણથી દાદર સ્ટેશન વચ્ચે પ્રવાસ કરે છે તેથી પત્નીને પાઠ ભણાવવા કે ડરાવવાના હેતુંથી તેણે કલ્યાણ અને દાદર સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી  નશાની હાલતમાં આપી હતી. તેવું પોલીસે જણાવ્યું હતું.

Tags :
Dadar-Kalyan-stationThreatened-to-blow-up-with-bombs

Google News
Google News