Get The App

બદલાપુરમાં બાળકીઓ પર જાતીય દુરાચારના વિરોધમાં હજારોનાં ટોળાંનું રેલ રોકોઃ દિવસભર ટ્રેનો ઠપ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
બદલાપુરમાં બાળકીઓ પર જાતીય દુરાચારના વિરોધમાં હજારોનાં ટોળાંનું રેલ રોકોઃ દિવસભર ટ્રેનો ઠપ 1 - image


લોકલ ટ્રેનો અંબરનાથ સુધી જ દોડી, પુણેની ટ્રેનોને પનવેલના રુટ પર વાળવામાં આવી

આરોપીને ફાંસીની સજાની માગણી સાથે  ભારે જનાક્રોશને ખાળવામાં સરકાર તથા રેલવે તંત્રને નાકે દમ આવ્યો, મંત્રી-અધિકારીઓને ન ગણકાર્યા : અટવાયેલા પ્રવાસીઓ માટે  60થી વધુ બસો દોડાવવી પડી

મુંબઇ  :  થાણે જિલ્લાના બદલાપુરની એક ખાનગી સ્કૂલમાં સફાઇ કામદારે વોશરૃમમાં નર્સરીની ચાર અને છ વર્ષની બે વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ બાદ લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. આજે સવારે રોષે ભરાયેલ જનતા બદલાપુર સ્ટેશને પહોંચી ગઇ હતી અને આજે લગભગ દિવસભર ટ્રેક પર  કબજો જમાવી દઈ રેલ રોકો આંદોલન કરતાં લોકલ ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સાથે સાથે મુંબઈ-પુણે રુટ પરની ટ્રેનો પણ ખોરવાઈ હતી. પોલીસે વારંવાર લાઠીચાર્જ કરીને લોકોને રેલવે ટ્રેક પરથી ભગાડવા કોશીશ કરી હતી પરંતુ લોકોએ પથ્થરમારો કરીને સામનો કરતાં પોલીસ પણ  અસમંજસમાં મૂકાઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્વે કોઈ રાજકીય પ્રત્યાઘાતો ટાળવા રેલ રોકો કરી રહેલાં ટોળાં પર કોઈ આકરાં પગલાં ભરવાનું ટાળવામાં આવ્યું હતું. 

આજે સવારના ૧૦ વાગ્યના અરસાથી જ આંદોલન કારીઓએ સમગ્ર બદલાપુર સ્ટેશન બાનમાં લીધી હતું અને ટ્રેક પર બેસી જઇ જ્યાં સુધી આરોપીને  ફાંસી આપવામાં નથી આવતી ત્યાં સુધી સ્ટેશન પરથી હટશે નહીં તેવું ઉગ્ર વલણ અપનાવતાં  રેલવે પ્રશાસન, રેલવે પોલીસ અને પોલીસના ઉચ્ચાધિકારીઓને નાકેદમ આવી ગયો હતો.

સવારે દસ વાગ્યે શરૃ થયેલું અભૂતપૂર્વ રેલરોકો આંદોલન સાત  કલાકથી વધુ ચાલ્યું હતું આ આંદોલનને લીધે  સેન્ટ્રલ  રેલવેની લોકલ ટ્રેનો સહિત બહારગામની ટ્રેનોને માઠી અસર થઇ હતી અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં લોકો કલાકો સુધી બેઠા રહ્યા હતા. અંબરનાથથી અને કર્જત વચ્ચે બન્ને દિશામાં લોકલ ટ્રેનો બંધ  હોવાથી પ્રવાસીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. આ રેલ-રોકોને લીધે અમૂક લોંગ ડિસ્ટન્સ ટ્રેનોને અન્ય રુટ પર વાળવાની ફરજ પડી હતી. રેલવે પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ મધ્યસ્થી કરવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા પણ આંદોલનકારીઓ તેમની કોઇ વાત માનવા તૈયાર નહોતા. જ્યાં સુધી મુખ્ય પ્રધાન સ્વયં નહીં આવે ત્યાં સુધી  આંદોલન પાછુ નહીં   ખેંચાય  તેવું વલણ અપનાવ્યું હતું. 

આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ કમિશનર રવિન્દ્ર શિસવે અને ઉલ્હાસનગરના ડીસીપી સુધાકર પાઠારે સહિત ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે દોઢી આવ્યા હતા. અને આંદોલકોને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ કોઇ રીતે ટસ થી મસ થયા નહોતા અને ફાંસી-ફાંસીના સૂત્રોચ્ચાર સાથે આરોપીને અહીંજ ફાસી આપવામાં આવે તેવી માગણી ચાલું રાખી હતી.

રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે બપોર સુધીમાં આશરે ૩૦ લોકલો કેન્સલ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં આ આંકડો વધે તેવી સંભાવના હતી. આ ઉપરાંત પુણે રુટની ૧૨ ટ્રેનોને પનવેલના રુટ પર વાળવામાં આવી હતી.  સોલાપુર -મુંબઈ વંદેભારત પણ અટકી પડી હતી. રેલવેએ સ્થાનિક નગરપાલિકા ઉપરાંત રાજ્ય એસટી પાસે  અટવાયેલા પ્રવાસીઓ માટે બસોની માગણી કરી હતી.  કલ્યાણથી કરજત વચ્ચે દોડાવવા માટે   ૧૦૦થી વધુ બસોની માગણી સામે ૬૦ બસો માંડ મળી હતી. 

રેલવેની પ્રોપર્ટીને નુકસાન ટાળવા કલ્યાણથી કરજત વચ્ચેના રુટ પર આરપીએફના ધાડેધાડાં ઉતારી દેવાયાં હતાં. જીઆરપીના જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. 

સમગ્ર ઘટના શું છે  ?

ચાર અને છ વર્ષની બે માસુમ બાળાઓનું  એટેન્ડન્ટ  દ્વારા જાતીય શોષણ

ગુનાઈત ભૂતકાળ છતાં નોકરીએ રખાયો અને બાળાઓને વોશરુમ લઈ જવાની ડયૂટી સોંપાઈ હતી

બદલાપુરની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં  પહેલી  ઓગસ્ટના રોજ આરોપી અક્ષય શિંદે (ઉ.વ. ૨૩)ને નોકરી પર રાખવામાં આવ્યો હતો. તે ગુન્હાઈત ભૂતકાળ ધરાવતો હોવા છતે આરોપીને નાની બાળાઓને વોશરૃમમાં લઇ જવાની જવાબદારી આપવામાં આવી હતી. ૧૨-૧૩ ઓગસ્ટના રોજ આરોપીએ ચાર અને છ વર્ષની નર્સરીની આ બે બાળાઓનું જાતીય શોષણ કર્યું હતું. ૧૪ ઓગસ્ટના ચાર વર્ષની બાળાએ તેના દાદાને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું. તેણે આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી.

ગભરાયેલા બાળાના વાલીઓએ વધુ વિગત મેળવી શોષણનો ભોગ બનેલી બીજી બાળાના વાલીઓનો સંપર્ક કર્યો હતો. આ સમયે તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રી પણ સ્કૂલમાં જવાનો ઇનકાર કરી રહી છે. તેથી આ બાળાનુંપણ શોષણ થયું હોવાની  શંકા ગઇ હતી. ત્યાર બાદ વાલીઓએ ખાનગી ડોકટરનો સંપર્ક કરી બન્નેનું મેડિકલ ચેકઅપ કરતા બન્ને બાળાઓનું  શોષણ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

બદલાપુર પોલીસની શંકાસ્પદ ભૂમિકા

વાલી પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા તો કલાકો સુધી બેસાડી રખાયા

સ્કૂલમાં સીસીટીવી પણ બંધઃ બાળ કલ્યાણ અધિકારીઓ વચ્ચે પડયા તે પછી ફરિયાદ લીધી

આ ઘટના બાદ બાળાના વાલીઓ શુક્રવારે મોડીરાત્રે બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે તેમને કલાકો સુધી પ્રતિક્ષા કરાવવામાં આવી હતી. આ ઘટનાને લીધે પોલીસ પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો આ સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શુભદા શિતોળેએ વાલીઓની ફરિયાદ નોંધી લેવાની જગ્યાએ તેમને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. તેમણે ઘટનાની પ્રાથમિક તપાસ ચાલું હોવાનું વાલીઓને જણાવ્યું હતું. જોકે પોલીસની તપાસમાં સ્કૂલની સીસીટીવી બંધ હોવાનું જણાયું હતું.

 રમિયાન જિલ્લા મહિલા અને  બાલ કલ્યાણ અધિકારીઓની મધ્યસ્થી બા  પોલીસે શનિવારે સવારે પોક્સો કાય ો હેઠળ ગુનો નોંધી બાળાઓની મેડિકલ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News