1000 જવાનોએ 60 કિમી ચાલી 24 કલાકમાં માઓવાદીના ગઢમાં ચોકી બનાવી
આઝાદી પછી પહેલીવાર અંતરિયાળ વિસ્તારમાં ચોકી બની
મુંબઈ : મહારાષ્ટ્રના નક્સલગ્રસ્ત ગઢચિરોલી જિલ્લાના ગરદેવાડા ખાતે આઝાદી પછી પહેલીવાર પોલીસ ચોકીની સ્થાપના કરાઈ છે. વિશેષ વાત એ છે કે એક હજાર જવાનોએ ૬૦ કિમી સુધી પગપાળા કૂચ કરીને માત્ર ૨૪ કલાકમાં જ આ ચોકી ઊબી કરી છે. માઓવાદીના ગઢ અબુઝ હમદથી માત્ર પાંચ કિમીના અંતરે ઊભી કરાયેલી આ ચોકી દ્વારા આસપાસના સમગ્ર ૭૫૦ ચોરસ કિમીના વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં મદદ મળશે.
માઓવાદીના ગઢ અબુઝહમદથી પાંચ કિમીના અંતરે જ ચોકી ઉભી થઈઃ ૭૫૦ ચોકિમી વિસ્તારમાં સર્વેલન્સ વધશે
આ ચોકીની સ્થાપના કરવા માટે નિશ્ચિતસ્થલે પહોંચવાનું પણ ભારે પડકારજનક હતું. અહીં ઠેર ઠેર લેન્ડ માઈન્સ છૂપાવાયેલી હોય છે. ઝાડીમાંથી ગમે ત્યારે નક્સલો હુમલા કરી શકે તેવી શક્યતા હોય છે. આ સમગ્ર વિસ્તાર ભારે દુર્ગમ છે અને અહીં વાહનો, મશીનરી વગેરે લઈ જવાનં બહુ કઠિન છે. પરંતુ, ચુનંદા કમાન્ડો, જવાનો તથા અન્ય શ્રમિકોનો વિશાળ કાફલો ચાલતાં ચાલતાં આ દુર્ગમ વિસ્તારમાં પહોંચ્યો હતો. રાતોરાત માત્ર ૨૪ કલાકમાં કાયમી પોસ્ટની સ્થાપના કરી દેવામાં આવી હતી. અહીં સર્વેલન્સ માટે તમામ વ્યવસ્થા ઉપરાંત પોલીસ જવાનોને રહેવાની અને કમ્યુનિકેશનની સગવડો પણ સ્થાપવામાં આવી રહી છે.
ગરદેવાડા પોલીસ ચોકી, પૂર્વી વિદર્ભના દૂરના એટાપલ્લી તાલુકામાં સ્થિત છે અને અબુઝહમદની નજીક છે. સરહદની બીજી બાજુએ, છત્તીસગઢના કાંકેરમાં આવેલા મારાબેડા પોલીસ ચોકીથી ૫.૫ કિમી દૂર છે. આ વિસ્તાર માઓવાદીઓની ગુફા તરીકે જાણીતો છે, તેથી અહીં માઓવાદીઓના ટ્રેનિંગ કેમ્પો પણ છે. આ સિવાય તેઓ પોતાના હથિયારો પણ અહીં છુપાવી રહ્યા છે. તેનું કારણ છે કે તેઓ આ વિસ્તારને દ્રષ્ટિકોણથી ખૂબ જ સુરક્ષિત માને છે કારણ કે અત્યાર સુધી અહીં સુરક્ષા દળોની પહોંચ નહોતી.
ઉલ્લેખનીય છે ક ગરદેવાડામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન, જ્યારે માઓવાદી બળવાખોરોએ ત્રણ શક્તિશાળી આઈઈડી વિસ્ફોટો કરીને મતદાન શિબિરમાં અરાજકતા સર્જી હતી. અહીં એક મોટું નાળું પણ વહે છે. જેમાં વરસાદની મોસમમાં ઘણું પાણી રહે છે. જેના કારણે આ વિસ્તારમાં વર્ષમાં કેટલાક મહિનાઓ સુધી બાકીના પ્રદેશોથી કપાયેલો રહે છે. આવી સ્થિતિમાં માઓવાદીઓ માટે અહીં છુપાઈ જવું સરળ છે. હવે આ પોલીસ ચોકીની સ્થાપના બાદ એક પુલ પણ બનાવવામાં આવશે.
ગઢચિરોલી પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, હાલ અહીં લગભગ ૧,૦૦૦ સી-૬૦ કમાન્ડો, ૨૫ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ્સ (બીડીડીએસ), નવ ાભરતી કરાયેલા પોલીસ કર્મચારીઓ, ૫૦૦ વિશેષ પોલીસ અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રીય અનામત પોલીસ દળોની ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે. તેથી ગરદેવાડા પોલીસ રોડ ક્લીયરિંગ ડ્રીલ, ચેકપોઈન્ટ ખોલવા અને ે સુરક્ષામાં તૈનાત છે. તંમજ આ પોલીસ ચોકી માઓવાદીઓની ગતિવિધિમાં દેખરેખ રાખવામાં મહત્ત્વની બની રહેશે.