મહિલા પર અત્યાચાર ગુજારનારાને ક્યારેય માફ ન કરી શકાય : મોદી
- કોલકત્તા અને બદલાપુરની ઘટનાઓ સંદર્ભે વડા પ્રધાનની ટકોર
- ગુનેગારને છાવરનારા પણ દોષિત છે : સરકારો આવશે અને જશે પણ નારી સુરક્ષાને અગ્રતા જરુરીઃ જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ૨૫૦૦ કરોડની ફાળવણી
મુંબઇ : મહિલા પર અત્યાચાર અને મહિલાને નિશાન બનાવી આચરવામાં આવતી ગુનાખોરી ક્યારેય માફ ન કરી શકાય એવું ઘોર પાપ છે અને દોષિતને છોડી જ ન શકાય એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું.
કોલકત્તાની હોસ્પિટલમાં તાલીમાર્થી લેડી ડોકટર પર બળાત્કાર અને હત્યા તેમજ બદલાપુરમાં બે માસુમ બાળકીઓના યૌન શોષણની અરેરાટીપૂર્ણ ઘટનાના સંદર્ભમાં વડા પ્રધાને જળગાંવની જાહેરસભામાં ટોચના સ્તરથી ઠેઠ નીચે સુધી આ આકરો સંદેશ પહોંચવો જોઇએ કે સ્ત્રીનું સન્માન કરવાને બદલે જે શોષણ કરે અથવા તેની સામે ગુનાખોરી આચરે એ માફીને લાયક નથી. માતા, બહેન, પુત્રીની સલામતીને પ્રાધાન્ય આપવું જ જોઇએ. મે લાલ કિલ્લા પરથી ભાષણ કરતી વખતે નારી સુરક્ષા અને સન્માનનો મુદ્દો વારંવાર દોહરાવ્યો છે.
જળગાંવમાં લખપતી દીદી સંમેલન પ્રસંગે સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું કે હું દરેક રાજકીય પક્ષો અને રાજ્યની સરકારોને કહીશ કે નારી સામે ગુનાખોરી ક્યારેય માફ ન કરી શકાય એવું પાપ છે. આ દોષિતોને છાવરવાનો કે બચાવવાનો પ્રયાસ કરવાવાળા પણ એટલાં જ દોષી છે પછી એ હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય સ્કૂલ હોય કે સરકાર હોય.
સરકારો આવશે અને જશે પરંતુ નારીની સુરક્ષા અને તેના સન્માનને જાળવવાની આપણાં સહુની જવાબદારી છે. આઝાદી પછી સત્તા પર આવેલી સરકારોએ મહિલાઓ માટે જેટલું નથી કર્યું એટલું અમારી સરકારે છેલ્લાં દસ વર્ષમાં કરી દેખાડયું છે.
વડા પ્રધાને આ કાર્યક્રમમાં ૪.૩ લાખ સેલ્ફ-હેલ્પ ગુ્રપની ૪૮ લાખ બહેનોને માટે ૨૫૦૦ કરોડના ભંડોળની ફાળવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત દુનિયાનું ત્રીજું મોટામાં મોટું અર્થતંત્ર બનવાનું છે, તો એમાં સૌથી મહત્વનો ફાળો સ્ત્રીઓનો છે.