ડોંબિવલીમાં શાકભાજી વેંચતી ઠોંબરે કાકીનો દીકરો બન્યો સીએ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ડોંબિવલીમાં શાકભાજી વેંચતી ઠોંબરે કાકીનો દીકરો બન્યો સીએ 1 - image


સીએ બન્યા બાદ માતા-પુત્રની ભેટનો વિડીયો ભારે વાયરલ

યોગેશ 9મા ધોરણમાં હતો ત્યારે જ પિતાનું અવસાન, પ્રતિકૂળ પરિસ્થિતિમાં શિક્ષણ થયું, 'ઈશ્વરે મારા કષ્ટોનું ફળ આપ્યું' : ઠોંબરે કાકુ

મુંબઇ :  હૈંયે હામ અને મહેનત કરવાની તાકાત હોય તો કંઈ અશક્ય નથી એ વાતની સાબિતી ડોંબિવલીના યુવાન યોગેશ ઠોંબરેએ આપી છે. તેની માતા ડોંબિવલીમાં શાકભાજી વેંચી પેટિયું રળે છે. ગમે તેવી ગરીબ પરિસ્થિતિ હોય તોય ધ્યેય હોય તો સફળતા નક્કી જ મળે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કે, માતાને સતત મહેનત કરતી જોઈ સીએ બનવાનું નક્કી કરનાર યોગેશે આખરે સીએની સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સીએ બન્યા બાદ યોગેશ તેની માતાને ભેટી પડયો હતો અને માતા આનંદથી રડી પડી હતી. જેનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે.

ડોંબિવલીમાં ખોણી વિસ્તારમાં પોતાના બે બાળકો અને એક દીકરી સાથે રહેતાં નીરા ઠોંબરે ડોંબિવલીના જ ગાંધીનગર પરિસરમાં છેલ્લાં ૨૨-૨૫ વર્ષથી શાકભાજી વેંચવાનું કામ કરે છે. યોગેશ નવમા ધોરણમાં હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ બાળકો અને સંસારની જવાબદારી નીરા ઠોંબરે પર આવી પડી હતી. આવી પરિસ્થિતિમાં તેમણે જરાય હાર ન માનતાં પૈસાં જમા કરી શાકભાજી વેંચવાનું શરુ કર્યું અને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમણે બાળકોને ભણાવ્યાં. આજે પોતાનો દીકરો સીએ બનતાં માતાની આંખમાંથી હરખના આંસુઓ સરી પડયા હતાં. 

યોગેશ સીએ બન્યા બાદ પહેલીવાર પોતાની માતાને મળ્યો ત્યારે રસ્તા પર જ માતા આ સમાચાર સાંભળી ગદગદ થઈ ગઈ હતી. યોગેશે માને ભેટી પડતાં માતા રડી પડી હતી અને તેનાં મોંમાથી શબ્દો સરી પડયા હતાં કે, 'મારા કષ્ટનું ફળ ઈશ્વરે આપ્યું'.આ બાબતે યોગેશે જણાવ્યું હતું કે, મારી માતાએ અમને ભણાવવા ખૂબ મહેનત કરી છે અને તેમનું પણ એક સ્વપ્ન હતું કે હું સીએ બનું. મારી પરીક્ષાઓ નજીક આવતાં જ તેઓ દેવદર્શને જતાં અને સતત મારી સંભાળ રાખતાં, જેથી હું પરીક્ષા સારી રીતે આપી શકું. એમ કહી તે પહેલીવાર રીઝલ્ટ બાદ પોતાની માતાને મળ્યો ત્યારે તેણે માતાને એક સાડી પણ ભેટમાં આપી હતી.



Google NewsGoogle News