આ વર્ષે ઉનાળું વેકેશન 2જી મેથી 14 જૂન સુધીનું રહેશે
રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે આદેશ જારી કર્યો
માત્ર વિદર્ભમાં પહેલી જુલાઈએ જ્યારે રાજ્યમાં અન્યત્ર 15મી જૂન ને શનિવારે સ્કૂલો ઉઘડશે
મુંબઈ : એપ્રિલ મહિનો આવે એટલે શાળામાં પરીક્ષાઓ પૂરી થાય અને વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ રજા અપાઈ જતી હોય છે. જોકે કેટલીક ખાનગી શાળાઓમાં એપ્રિલમાં વિદ્યાર્થીઓને બોલાવી બાદમાં મે મહિનાથી રજા અપાતી હોય છે. ત્યારે રાજ્યના શિક્ષણ સંચાલનાલયે રાજ્યની સ્કૂલોના વેકેશનનું પરિપત્રક જાહેર કર્યું છે. જેમાં બીજી મેથી ૧૪ જૂન સુધી વેકેશન જાહેર કરાયું છે.
સરકારી પરિપત્રક મુજબ, રાજ્યની સ્ટેટ બોર્ડની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં ગુરુવાર ને ૦૨ મે ૨૦૨૪થી વેકેશન જાહેર કરાયું છે. રાજ્યની અન્ય બોર્ડની સ્કૂલો ટાઈમટેબલ મુજબ ચાલું હોય તો તેમણે સ્કૂલ સ્તરે રજા બાબતે ઉચિત નિર્ણય લેવાનો રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની શરુઆત રાજ્યના વિદર્ભ વિસ્તારને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં ૧૫ જૂન ૨૦૨૪ને શનિવારથી થશે. જૂન મહિનાના વિદર્ભના તાપમાનને ધ્યાનમાં લઈ ત્યાં ૩૦ જૂનના રોજ શરુ થશે. પરંતુ ૩૦મી જૂને રવિવાર આવતો હોવાથી સ્કૂલો પહેલી જુલાઈ, ૨૦૨૪ ને સોમવારથી શરુ કરવાનું પણ પરિપત્રકમાં જણાવાયું છે.
આથી વિદ્યાર્થીઓના વાલીઓએ તથા સ્કૂલોએ ઉપરોક્ત જણાવ્યાનુસાર, વેકેશનની તારીખો ધ્યાનમાં લઈ પોતાના આયોજન કરવાના રહેશે. સાથે જ ઉઘડતી સ્કૂલે શાળામાં વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સામગ્રી મળી રહે તેવી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ રાખશે, એવી આશા પણ વાલીઓએ સેવી છે.