આ વર્ષે માતાજીની મૂર્તિઓની કિંમતોમાં પણ 15 ટકાનો વધારો
પ્રતિમાઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ
દુર્ગાપૂજા માટેની મૂર્તિઓનું કામ પણ ઝડપભેર થઈ રહ્યું છે; ઘણી મૂર્તિઓ રવિવારે મંડપમાં જશે
મુંબઈ : ગણેશોત્સવ બાદ હવે મુંબઈમાં નવરાત્રોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મૂર્તિ બનાવતાં વર્કશોપમાં માતાજીની મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વર્ષે મૂર્તિશાળાઓમાં અંબા, રેણુકા, કોલ્હાપુરના મહાલક્ષ્મી, મહિષાસૂરમર્દિની, તુળજાભવાની, સપ્તશ્રુંગી, કાળુઆઈના સ્વરુપની માતાજીની મૂર્તિઓ વધુ જોવા મળી રહી છે. છ ઈંચથી માંડી સાત ફૂટ સુધીની મૂર્તિઓની કિંમત આ વર્ષે ત્રણ હજારથી લઈને ૧૮ હજાર રુપિયા સુધી પહોંચી છે.
અમુક મૂર્તિકાર સાથે વાત કરતાં જણાયું કે, તેમણે તૈયાર કરેલી મૂર્તિઓમાંથી કેટલીક ઘરમાં બેસાડવા માટેની મૂર્તિઓ પણ છે. ગણેશોત્સવ બાદ માતાજીની મૂર્તિઓ તૈયાર કરવા ખૂબ ઓછો સમય મળે છે. તેમાંય માતાજીની આંખો, ચહેરા, સ્મિત વગેરેનું કામ ખૂબ ઝીણવટપૂર્વક કરવું પડે છે. કેટલીક મૂર્તિઓને સાચી સાડી ઓઢાડવામાં આવતી હોવાથી મૂર્તિ મુજબ સાડીઓ સીવવામાં આવે છે તો કેટલીક મૂર્તિઓને મોતી, હિરાના સાચા દાગીનાનો શણગાર પણ કરાય છે.
અત્યારે મૂર્તિઓ પર મેટેલિક, ફ્લોરોસેન્ટ, વેલ્વેટ જેવા આધુનિક સ્વરુપનું રંગકામ પણ કરાય છે. આથી એક મૂર્તિ બનાવવા માટે સામાન્યરીતે ૧૫ દિવસ લાગે છે. આથી આ મૂર્તિઓનું ફિનિશિંગ વધુ મહેનત માગી લે છે. તેમાંય ગયા વર્ષનો અનુભવ લઈ આ વર્ષે માતાજીની ઓછી મૂર્તિ તૈયાર કરાઈ છે. પ્રત્યેક કાર્યશાળામાં ૨૦-૨૫થી વધુ મૂર્તિઓ હશે નહીં. આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસ, કલર, નારિયેળના કાથા, મજૂરી વગેરેના ભાવમાં વધારો થતાં આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે.
આ વર્ષે મોટી મૂર્તિઓ આગામી રવિવારે વિવિધ મંડપોમાં જશે તો નાની મૂર્તિઓ બીજી ઑક્ટોબરે મંડપમાં તેમજ ઘરોમાં પ્રવેશવાની હોવાની માહિતી પણ વિવિધ મૂર્તિકારો પાસેથી મળી છે. તે સાથે જ મુંબઈમાં મુલુન્ડ, દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં દુર્ગાપૂજા પણ થતી હોવાથી તે મૂર્તિઓનું કામ પણ ઝડપ ગતિએ કરાઈ રહ્યું છે.