ભગત સિંહ કોશ્યારીના રાજીનામાને આદિત્ય ઠાકરેએ ગણાવી મહારાષ્ટ્રની જીત
- રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે
મુંબઈ, તા. 12 ફેબ્રુઆરી 2023, રવિવાર
શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને 'મહારાષ્ટ્ર વિરોધી' ગણાવતા તેમના રાજીનામા પર ખુશી વ્યક્ત કરી છે. ઠાકરેએ તેને 'મહારાષ્ટ્રની એક મોટી જીત' ગણાવી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રવિવારના રોજ સવારે કોશ્યારીનું રાજીનામું સ્વીકારી લીધું અને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે કોશ્યારીએ એક મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું.
આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'મહારાષ્ટ્ર વિરોધી રાજ્યપાલનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમણે સતત છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે, આપણા બંધારણ, વિધાનસભા અને લોકતાંત્રિક આદર્શોનું સતત અપમાન કર્યું છે. તેમને રાજ્યપાલ તરીકે સ્વીકારી શકાય નહીં.'
શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે પણ કોશ્યારીના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, 'રાજ્યપાલને બદલવા એ મહારાષ્ટ્ર પર ઉપકાર નથી. આ અગાઉ પણ અનેક રાજ્યપાલો બદલાઈ ચૂક્યા છે. એક વર્ષ થઈ ગયુ છે જ્યારે મહારાષ્ટ્રના લોકો શિવાજી મહારાજ અને સાવિત્રીબાઈ ફુલે પર તેમની (બી.એસ. કોશ્યારી) ટીપ્પણીના કારણે રાજ્યપાલને બદલવાની માંગ કરી રહ્યા હતા.'
નવેમ્બર 2020માં કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના સમયના આદર્શ (રોલ મોડેલ) છે. તેમણે કહ્યું હતું કે પહેલા જ્યારે તમને પૂછવામાં આવતું કે તમારા આદર્શ કોણ? ત્યારે તમારો જવાબ સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી અને જવાહરલાલ નહેરુ હોતા. હવે મહારાષ્ટ્રમાં જ બહુ બધા આદર્શ છે. તમારે ક્યાંય બહાર જોવાની જરૂર નથી. અહીં શિવાજી મહારાજ તો જૂના જમાના આદર્શ છે. હવે આધુનિક જમાનામાં ડો. બાબા સાહેબ આંબેડકરથી ડો. નિતીન ગડકરી જેવા લોકો છે. આ વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ ઉભો થયો હતો.