રાજ્યની સ્કૂલોમાં દિવાળીની 14 દિવસની રજા પડશે
વિદ્યાર્થીઓને મજા શિક્ષકોને ચૂંટણીકાર્યની સજા!
દિવાળીના તહેવારોના દિવસોમાં ઈલેક્શન ટ્રેનિંગ ન રાખવા શિક્ષક સંગઠનોની માગણી
મુંબઈ - રાજ્યભરમાં અધિકાંશ સ્કૂલોમાં સત્રાંત પરીક્ષા આખરી તબક્કે આવી ગઈ છે, ત્યારે સ્કૂલોમાં ૨૬ કે ૨૮થી વિદ્યાર્થીઓને દિવાળીની રજા પડશે. આ વર્ષે સ્કૂલોને ૧૪ દિવસનું દિવાળીનું વેકેશન પડશે. મોટાભાગની સ્કૂલો ૧૨ નવેમ્બરથી શિયાળુ સત્ર શરુ કરશે. માત્ર કેટલીક પ્રાથમિક શાળાઓ ૧૬ નવેમ્બરથી શરુ થશે. જોકે વેકેશન બાદ તુરંત ચૂંટણી આવી રહી હોવાથી શિક્ષકોએ વેકેશનમાં પણ ઈલેક્શનની ટ્રેનિંગમાં જવું પડે તેવી શક્યતા છે.
રાજ્યભરની અનેક બિનઅનુદાનિત સ્કૂલોની છ માસિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને રજા પડી ગઈ છે. પરંતુ અનુદાનિત અને સરકારી સ્કૂલોમાં રાજ્ય સરકાર વતી મરાઠી, અંગ્રેજી અને ગણિત વિષયની બેસ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન થઈ રહ્યું છે. આ પરીક્ષા પચ્ચીસમીએ પૂરી થશે. ત્યારબાદ તુરંત અથવા ૨૮થી કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને રજા આપે તેવી શક્યતા છે.
આ ૧૪ દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓ દિવાળીનો આનંદ માણી શકશે. પરંતુ શિક્ષકોને માથે ટ્રેનિંગની લટકતી તલવાર રહેશે. દિવાળીના સમયે ટ્રેનિંગ ન રાખવી એવી માગણી શિક્ષક સંગઠનો કરી રહ્યાં છે. વળી દિવાળીમાં જ ઘરે શિક્ષકો પેપર પણ તપાસતાં હોવાથી તેમને માટે આ વેકેશન ભારે જવાબદારીભર્યું જવાનું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે.
પહેલાં વિદ્યાર્થીઓને દિવાળીનું વેકેશન ૨૦ દિવસનું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક રજાઓ તથા ગણપતિની રજાઓ ઉમેરાતાં વિદ્યાર્થીઓની દિવાળીની રજાઓમાં કાપ મૂકાયો છે. આથી વિદ્યાર્થીઓને માંડ ૧૪ દિવસનું જ વેકેશન મળશે.