ચેક પરનું લખાણ કેટલું જૂનું છે એ જાણવા કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથીઃ હાઈકોર્ટ
મુંબઈ :ચેક અમાન્ય થવાના કેસમાં વિવાદીત ચેક પરની સહીને હસ્તાક્ષર નિષ્ણાત દ્વારા સહી કેટલી જૂની છે એ જાણવાનો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા સેશન્સ કોર્ટના આદેશને હાઈ કોર્ટે તાજતરમાં રદબાતલ કરીને નિરીક્ષણ કર્યું હતું કે દસ્તાવેજ પરની સહી કેટલી જૂની છે તે નક્કી કરવાની કોઈ વૈજ્ઞાાનિક પદ્ધતિ નથી.
નાગપુર બેન્ચના ન્યા. પાનસરેએ સેશન્સ કોર્ટના આદેશને પડકારતી રિટ અરજીમાં આદેશ આપતી વખતે મદ્રાસ હાઈ કોર્ટે ૨૦૧૦માં આપેલા નિષ્ણાતના મંતવ્યનો આધાર લીધો હતો. જેમાં હસ્તાક્ષરનો સમયગાળો ચોક્કસ રીતે નક્કી કરવાની કોઈ વૈજ્ઞાાનિક પદ્ધતિ નહોવાનું સિદ્ધ થયું હતું.
અરજદાર જ્ઞાાનેશ્વર ગુલ્હનેએ વિનોદ લોખંડે સામે નેગોશિયબલ ઈન્સ્ટ્રુમન્ટ એક્ટ હેઠળ ચેક ડિસઓનરનો કેસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સામે કર્યો હતો.લોખંડેએ ચેકને લઈને સહી ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. તેણે આરોપ કર્યો હતો કે પોતે ૨૦૧૦માં ગુલ્હનેને સિક્યોરિટી તરીકે સહી કરેલો કોરો ચેક આપ્યો હતો. ગુલ્હનેએ ૨૦૧૬માં ચેકનો દુરુપયોગ કરીને બાકીની વિગતો ભરી દીધી હતી.જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે અરજી ફગાવી દીધી હતી. આથી લોખંડેએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યું હતું પણ આરોપીને સંતોષકારક રીતે રજૂઆત કરીને પોતાનો બચાવ કરવાનો અધિકાર હોવાનું ટેરવીને શંકા નિવારણ કરવા હસ્તલેખન નિષ્ણાત દ્વારા ટેસ્ટ કરવાની પરવાનગી આપી હતી. આથી ગુલ્હનેએ રિટ અરજી કરીને સેશન્સ કોર્ટના આદેશને પડકાર્યો હતો.
અહીં મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યો હતો આ કેસમાં ચેન્નાઈના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ ડિવિઝનના એ વખતના આસિસ્ટંટ ડિરેક્ટરએઆર મોહને નિવેદન રકોર્ડ કરાવ્યું હતંંુ. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ બીએઆરસી કયા સમયગાળામાં લખાણ થયું હતું એનો અંદાજીત સમય આપી શકે છે પણ તે પણ ચોક્કસ કહી શકાય નહીં અને આ સુવિધા એટોમિક રિસર્ચ પુરતી છે કોઈ દાવા સંબંધી દસ્તાવેજો માટે નથી.
નિષ્ણાતનો મત ધ્યાનમાં રાખતાં નિરર્થક પ્રયાસ કરવામાં કોઈ તથ્ય નથી. કોઈ પક્ષકારને આ કવાયત લાભદાયી થવાની નથી. કોર્ટે સેશન્સ કોર્ટનો આદેશ રદબાતલ કરીને મેજિસ્ટ્રેટના આદેશને કાયમ રાખ્યો હતો.