કંગના સાથે સમાધાન નથી થયું, તેણે માફી માગી છેઃ શબાના
રાજીખુશીથી સમાધાનની વાત ખોટી છે
અમારે નાણાંકીય વળતર જોઈતું ન હતું, તે માફી માગે એટલી જ અપેક્ષા હતી
મુંબઈ - કંગના રણૌત સામે જાવેદ અખ્તરે કરેલા બદનક્ષી કેસમાં બંને વચ્ચે પરસ્પર સંમતિ અને રાજીખુશીથી સમાધાન થયાની વાત ખોટી છે. વાસ્તવમાં કંગનાએ આ કેસમાં અમારી માફી માગી છે તેવો દાવો શબાના આઝમીએ કર્યો છે.
કંગનાએ જાવેદ અખ્તરનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સાંકળ્યું હતું. આથી જાવેદ અખ્તરે કંગના સામે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ કેસ આશરે સાડા ચાર વર્ષ સુધી ચાલ્યો હતો. થોડા સમય પહેલાં જ કંગનાએ જાહેર કર્યું હતું કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કેસ પાછો ખેંચાઈ ગયો છે. કંગનાએ એમ પણ લખ્યું હતું કે જાવેદ અખ્તર તેની નવી ફિલ્મ માટે ગીત લખી આપવાના છે.
જોકે, શબાના આઝમીએ કંગનાના આ દાવા ઉપરાંત મીડિયા અહેવાલો અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું હતું કે દ્વિપક્ષી સંમતિથી સમાધાનની વાતમાં તથ્ય નથી. શરુઆતથી જ અમે કહ્યું હતું કે અમારે બદનક્ષી બદલ નાણાંકીય વળતર જોઈતું નથી પરંતુ કંગના માફી માગે તે અપેક્ષિત છે. એ પ્રમાણે કંગનાએ અમારી માફી માગી છે. આમ આ કેસમાં અમે જીતી ગયા છીએ, તેને દ્વિપક્ષી સમાધાન કહી શકાય નહિ.